ભારત સરકારે ચારધામ યાત્રાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે કેદારનાથ અને હેમકુંડ સાહિબ રોપ-વેના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ‘અત્યારે જે યાત્રા 8-9 કલાકમાં પૂરી થાય છે, એ ઘટીને ફક્ત 36 મિનિટમાં સંપન્ન થશે. એમાં 36 લોકોની બેસવાની ક્ષમતા હશે.’
નેશનલ રોપ-વે ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ઉત્તરાખંડમાં સોનપ્રયાગથી કેદારનાથ સુધી 12.9 કિલોમીટર અને ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબજી સુધી 12.4 કિલોમીટરનો રોપ-વે બનશે. આ બંને પ્રોજેક્ટ માટે કુલ રૂ.6811 કરોડનો ખર્ચ થશે. સોનપ્રયાગ-કેદારનાથ રોપ-વે પ્રોજેક્ટ માટે રૂ. 4081 કરોડનો ખર્ચ થશે. પ્રોજેક્ટના નિર્માણમાં ચારથી છ વર્ષનો સમય લાગશે. કેદારનાથ રોપ-વેથી દર કલાકે 1800 યાત્રીઓ અને દરરોજ 18000 તીર્થયાત્રીઓને પહોંચાડી શકાશે.
જ્યારે ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ સુધી 12.4 કિલોમીટરના રોપ-વે માટે કુલ રૂપિયા 2730 કરોડનો ખર્ચ થશે. રોપ-વે દ્વારા પ્રતિ કલાક 1100 અને રોજ 11000 યાત્રીઓને લઈ જવાશે. કેદારનાથ જવા ઓછામાં ઓછા 9 નવ કલાકનો સમય લાગે છે. રોપ-વે બન્યા પછી આ યાત્રા ફક્ત 36 મિનિટમાં પૂર્ણ થશે. ગૌરીકુંડથી 16 કિ.મી.ની કેદારનાથ મંદિર સુધીની યાત્રા ખૂબ કઠીન છે. હાલ આ યાત્રા પગપાળા, પાલકી, ટ્ટટૂ અને હેલિકોપ્ટર દ્વારા થઇ શકે છે.
