અમેરિકામાં રહી ભારત વિરોધી દુષ્પ્રચાર કરી રહેલા ઇન્ડિયન અમેરિકન મહિલા અગ્રણી ક્ષમા સાવંતે દાવો કર્યો છે કે, ભારત જવા માટે તેમના વિઝાની અરજી ત્રણ વાર ફગાવવામાં આવી હતી. બીજી તરફ તેમના પતિને બીમાર માતાને મળવા માટેના વિઝા તાત્કાલિક આપવામાં આવ્યા હતા.
સીએટલ સિટી કાઉન્સિલનાં પૂર્વ સભ્ય ક્ષમા સાવંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે, મારા પતિ અને હું સીએટલની ઇન્ડિયન એમ્બેસીમાં છીએ. તેમણે મારા પતિના માતાની ગભીર હાલતને જોઇને તેમને ઇમરજન્સી વિઝા આપ્યા છે, પરંતુ મારી અરજી એમ કહીને ફગાવી હતી કે મારું નામ રીજેક્ટ યાદીમાં છે. અમને એમ્બેસી તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ક્ષમા સાવંતે કહ્યું કે, તેઓ અને તેમના સંગઠન ‘વર્કર્સ સ્ટ્રાઇક બેક’ના સભ્યો એમ્બેસી સમક્ષ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી છીએ અને જવાબ માગી રહ્યા છીએ કે તેમના વિઝા કેમ રીજેક્ટ કરવામાં આવ્યા છે. ‘અમે ફક્ત એક સ્પષ્ટતા માંગીએ છીએ. મારું નામ રીજેક્ટ લિસ્ટમાં કેમ છે, મારા વિઝા ત્રણ વાર કેમ રીજેક્ટ કરવામાં આવ્યા છે?’ આ અંગે એમ્બેસીએ જણાવ્યું હતું કે, અનેક લોકોએ એમ્બેસીમાં મંજૂરી વગર પ્રવેશ કર્યો હતો અને તેમણે અમારા કર્મચારીઓની સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેમને અનેકવાર વિનંતી કરવા છતાં તેઓ પરિસરની બહાર ગયા નહીં, જેના પગલે અધિકારીઓને બોલાવવાની ફરજ પડી હતી. અમે આ મુદ્દે આગળની કાર્યવાહી કરીશું. ક્ષમા સાવંત એક રાજકીય નેતા છે. તેઓ અમેરિકામાં સોશિયાલિસ્ટ અલ્ટરનેટિવ નામના રાજકીય પક્ષના સભ્ય છે. ક્ષમા સાવંતે અમેરિકામાં રહીને ભારતના સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ), નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી)નો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત ખેડૂત આંદોલન સહિત અનેક પ્રસંગોએ પણ તેણે અમેરિકામાં રહી ભારત વિરોધી વલણ દાખવ્યું હતું. તેઓ પોતાને એક સમાજવાદી વ્યક્તિ માને છે.
