પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અગ્રણી બિઝનેસ અને નાણાકીય સલાહકાર ગ્રાન્ટ થોર્ન્ટન યુકે એલએલપીના નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે યુકેમાં ભારતીય માલિકીના બિઝનેસીસની વિક્રમી સંખ્યા જોવા મળી રહી છે અને તેમની  આવકમાં ઓછામાં ઓછો 10%નો વધારો થયો છે. જ્યારે ટોચની કામગીરી કરતી કંપનીઓએ લગભગ 50 ટકાનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર હાંસલ કર્યો છે.

કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના સહયોગથી તૈયાર કરાયેલા ‘ગ્રાન્ટ થોર્ન્ટન ઈન્ડિયા મીટ્સ બ્રિટન રિપોર્ટ’ની 11મી આવૃત્તિમાં જણાવાયું હતું કે યુકેમાં વિક્રમરૂપ 971 ભારતીય માલિકીના બિઝનેસ છે. જે પાછલા વર્ષના 954 કરતા વધારે છે. આ 971 કંપનીઓ યુકેના અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપવા ઉપરાંત 118,430 લોકોને રોજગારી આપે છે, £68.09 બિલિયનનું સંયુક્ત ટર્નઓવર જનરેટ કરે છે અને કોર્પોરેશન ટેક્સ પેટે £1.17 બિલિયન ચૂકવે છે. ભારતીય માલિકીની કંપનીઓએ સરેરાશ વાર્ષિક 24 ટકા વૃદ્ધિ દર હાંસલ કર્યો છે.

ટોચનું પ્રદર્શન કરતી 100 કંપનીઓએ સરેરાશ આવક વૃદ્ધિ દર 48 ટકા હાંસલ કર્યો છે. ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ કંપની જગુઆર લેન્ડ રોવરે પાછલા વર્ષની સરખામણીએ 25%નો વૃદ્ધિ દર હાંસલ કર્યો હતો. જેને કારણે 2024 ટ્રેકર કંપનીઓનું સંયુક્ત ટર્નઓવર વધીને £42.80 બિલિયન થયું છે.

ટેક્નોલોજી, મીડિયા અને ટેલિકોમ્યુનિકેશન કંપનીઓએ તેમનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જેનો વિકાસ દર 27% છે. તે પછી પ્રોડક્શન અને એન્જિનિયરિંગ 20% અને ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સ 16% આવે છે. યુકેમાં સૌથી ઝડપથી વિકસતા ભારતીય માલિકીના બિઝનેસીસ માટે લંડન સૌથી વધુ લોકપ્રિય સ્થાન રહ્યું છે. આ વર્ષના ટ્રેકરની 100 કંપનીઓમાંથી 50%થી વધુ રાજધાની સ્થિત છે.

ગ્રાન્ટ થોર્ન્ટન UK LLPના સાઉથ એશિયા બિઝનેસ ગ્રૂપના વડા અનુજ ચંદે OBEએ જણાવ્યું હતું કે “છેલ્લા વર્ષમાં, સુસ્ત વૈશ્વિક અર્થતંત્ર હોવા છતાં યુકેમાં આવેલી ભારતીય માલિકીની કંપનીઓએ રાષ્ટ્રની અર્થવ્યવસ્થામાં નાણાકીય અને મુખ્ય નોકરીદાતાઓ તરીકે નોંધપાત્ર યોગદાન આપવાનું ચાલુ રાખ્યું છે. યુકેમાં ભારતીય કંપનીઓનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 20 ટકા કરતાં વધી ગયો છે.”

CIIના ડીરેક્ટર જનરલ ચંદ્રજીત બેનર્જીએ કહ્યું હતું કે “આ અહેવાલ યુકેમાં ભારતીય સીધા વિદેશી રોકાણના સકારાત્મક અને પ્રભાવશાળી પદચિહ્નને પ્રકાશિત કરે છે, જે સ્થાનિક અર્થતંત્ર તેમજ ભારત બંનેમાં યોગદાન આપી રહ્યું છે. ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.”

LEAVE A REPLY