ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ શુક્રવારે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) જહાજોની હિલચાલ અંગેની સંવેદનશીલ માહિતી પાકિસ્તાની એજન્ટ સાથે શેર કરવા બદલ એક મજૂરની ધરપકડ કરી હતી.
દિપેશ ગોહેલ નામનો આરોપી દરિયાકાંઠાના દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા જેટી પર વેલ્ડર-કમ-મજૂર તરીકે કામ કરે છે. તે જેટી પર આવતા ICG જહાજો વિશેની સંવેદનશીલ માહિતી દરરોજ 200 રૂપિયા લઇને પાકિસ્તાન સ્થિત મહિલાને આપતો હતો.પોલીસે જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 61 અને 147 હેઠળ ગુનાહિત ષડયંત્ર અને સરકાર સામે યુદ્ધ ચલાવવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના એજન્ટ અથવા આર્મી ઓફિસરના સંપર્કમાં હોવાની બાતમી મળતાં એટીએસે ગોહેલ પર ચાંપતી નજર રાખી હતી. ગોહેલને ફોન કોલ્સ અને સંદેશાઓ પાકિસ્તાનમાંથી આવ્યા હોવાનું જાણવા મળ્યા બાદ ટેકનિકલ દેખરેખ રાખવામાં આવી હતી.ગોહેલનું પોતાનું બેંક એકાઉન્ટ નથી, તેણે તેના ત્રણ મિત્રોના ખાતાની વિગતો આપી હતી. તે બધાએ પાકિસ્તાન સ્થિત મહિલા પાસેથી છેલ્લા સાત મહિનામાં યુપીઆઈ દ્વારા કુલ 42,000 રૂપિયા મેળવ્યા હતા.