ભારતીય સેનાએ કાશ્મીરમાં લાઇન ઑફ કન્ટ્રોલ (LOC) પાકિસ્તાન સરહદેથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા સાત પાકિસ્તાનીઓને તાજેતરમાં ઠાર માર્યા હતા. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમ(BAT)ના ત્રાસવાદી પણ સામેલ હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય સેનાએ 4-5 ફેબ્રુઆરીએ રાત્રે એલઓસી પર ભારતીય ચોકી પર પાકિસ્તાની ઘૂસણખોરોએ કરેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન સાત પાકિસ્તાનીઓને ઠાર માર્યા હતા. આ ઘૂસણખોરો 2થી 3 પાકિસ્તાની સેના જવાનો પણ હોવાનું કહેવાય છે. આ ઘટના કાશ્મીરના પૂંછ જિલ્લાની કૃષ્ણા ઘાટીમાં બની હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે LOC પર પાકિસ્તાની ઘૂસણખોરોને જોતાં જ ભારતીય જવાનોએ તેમને ઠાર કર્યા હતા. મૃતકોમાં ત્રાસવાદી ‘સંગઠન અલ-બદ્ર’ના સભ્યો પણ સામેલ હતા.