સાન જોસની ટેકનોલોજી સ્ટાફિંગ ફર્મ- નેનોસેમેન્ટિક્સના ઇન્ડિયન અમેરિકન માલિક કિશોર દત્તાપુરમને H-1B વિઝામાં ઠગાઇ કરવાની યોજના ઘડવા બદલ 14 મહિનાની જેલ સજા ફટકારવામાં આવી છે. સાન્ટા ક્લારાના 55 વર્ષીય આ શખ્સે ષડયંત્ર રચ્યું હોવાનો અને વિઝા ફ્રોડ કર્યું હોવાનું સ્વીકાર્યું હતું. કિશોર દત્તાપુરમની કંપનીએ બે એરિયાની ટેકનોલોજી કંપનીઓમાં કુશળ વિદેશી વર્કર્સને નોકરી અપાવવામાં મદદ કરી હતી. નેનોસેમેન્ટિક્સે ફાયદો લેવા માટે ખોટી વિઝા અરજીઓ કરી હતી અને વર્કર્સ નિશ્ચિત કંપનીઓમાં ચોક્કસ નોકરીઓ રાહ જોઈ રહ્યા છે તેવું તંત્રને ખોટું જણાવ્યું હતું. કેટલાક કેસમાં, દત્તાપુરમે કંપનીઓને દેખાડો કરવા માટે નાણા પણ ચૂકવ્યા હતા, તે જાણતા હતા કે, તેઓ વર્કર્સને ક્યારેય નોકરી પર રાખશે નહીં. આ યોજનાનો હેતુ નોકરી મળે તે પહેલાં ઉમેદવારો માટે H-1B વિઝા સુરક્ષિત કરવાનો હતો. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ એડવર્ડ જે. ડેવિલાએ આ જેલની સજા જાહેર કરી હતી, જેમાં ત્રણ વર્ષ સુધી નિરીક્ષણ હેઠળ મુક્ત રહેવાનો, $125,000થી વધુની જપ્તી, $7,500 નો દંડ અને વધારાની ફી ચૂકવવાની સજાનો પણ સમાવેશ થાય છે.
