લોસ એન્જેલસમાં 7 જાન્યુઆરીના આગની ઘટના પછીના દિવસોમાં એવા લોકોની નોંધપાત્ર સેવાઓની કહાનીઓ બહાર આવી છે, જેઓ ફક્ત મૂકદર્શક બની રહેવા ઇચ્છતા નહોતા. લોસ એન્જેલસની આ કુદરતી આફતમાં ભાઈચારાનો જુસ્સો જોવા મળ્યો છે. પીડિતોને જુદી જુદી મદદ માટે મોટી સંસ્થાઓ-સંગઠનો દ્વારા મોટા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વ્યક્તિગત તેમ જ નાની સંસ્થાઓના પ્રયાસોની પણ લોકોએ નોંધ લીધી હતી. સ્થાનિક અને રાષ્ટ્રીયકક્ષાના ઇન્ડિયન અમેરિકન સંગઠનોએ આગ ફાટી નીકળ્યાના 24 કલાકની અંદર શક્ય તમામ સેવા પૂરી પાડવા માટેના પ્રયાસ કર્યા હતા. ન્યૂયોર્કના ક્વીન્સમાં, હિન્દુ ટેમ્પલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા, અથવા ગણેશ ટેમ્પલ દ્વારા વેબસાઇટ અને મંદિરમાં ભંડોળ એકત્રિકરણનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં દાતાઓને દાન આપવા માટે જાહેર અપીલ કરવામાં આવી હતી.
ન્યૂયોર્કના સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ આવી જ અપીલ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સંસ્થા, BAPSના ફ્લશિંગ ખાતેના મંદિર દ્વારા પણ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. NBCના રીપોર્ટસમાં વિવિધ ધાર્મિક ઇન્ડિયન અમેરિકનોને લોસ એન્જેલસમાં એશિયનોના ત્રીજા સૌથી મોટા વંશીય ગ્રુપનો ભાગ માનવામાં આવ્યા છે, આ તમામ આગના પીડિતોને રાહત પહોંચાડવાના હેતુ માટે એકત્ર હતા. વોશિંગ્ટન પોસ્ટ દ્વારા આ વિસ્તારની કેટલીક એવી ધાર્મિક સંસ્થાઓની યાદી જાહેર થઇ હતી, જે મદદ માટે સૌપ્રથમ પહોંચી હતી. ગુરુદ્વારા અને એક ચર્ચ દ્વારા આગમાં ઘર ગુમાવનારા અથવા વિસ્થાપિતોને સાબુ, ટૂથપેસ્ટ, રેઝર જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લોસ એન્જેલસમાં BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરે મદદ માટે સ્વયંસેવકો સાથે જુદી જુદી જગ્યાએ જરૂરી ચીજવસ્તુઓ મોકલાવી હતી. BAPS ચેરિટીઝ દ્વારા બાળકો અને મહિલાઓ માટે જરૂરી વસ્તુઓ, પેકેજ્ડ નાસ્તા અને પાણીની બોટલો વગેરે મોકલવામાં આવ્યા હતા. તાજેતરમાં ચિનો હિલ્સ ખાતેના બીએપીએસ મંદિરમાં દાન અને સ્વયંસેવકો સંબંધિત કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત બેકર્સફિલ્ડના પાંચ શીખ ગુરુદ્વારા દ્વારા પણ જંગલની આગના પીડિતો માટે સેવા અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આવા ગુરુદ્વારા સંકટના સમયે મદદ કરવા માટે જાણીતા છે.