અમેરિકામાં ભારતીય મૂળના બે અગ્રણી સાંસદોએ બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ સામેના સંકલિત હુમલાઓ રોકવા માટે યુએસના સીધા હસ્તક્ષેપની માંગણી કરીને જણાવ્યું હતું કે આ પ્રદેશમાં ધાર્મિક અસહિષ્ણુતા અને હિંસા દ્વારા ફેલાવામાં આવતી અસ્થિરતા અમેરિકા કે તેના સાથી દેશોના હિતમાં નથી.
બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ અને બાંગ્લાદેશ પૂજા ઉદ્જાપન પરિષદ નામના બે લઘુમતી સંગઠનોના જણાવ્યા અનુસાર 5 ઓગસ્ટે શેખ હસીના સરકારના પતન પછીથી બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયોના સભ્યો સામે 52 જિલ્લામાં હુમલાની ઓછામાં ઓછી 205 ઘટનાઓનો બની છે. હિંસાથી બચવા માટે હજારો બાંગ્લાદેશી હિંદુઓ પાડોશી દેશ ભારતમાં હિજરત કરી રહ્યાં છે.
અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકનને 9 ઓગસ્ટે પત્રમાં કોંગ્રેસમેન શ્રી થાનેદારે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર સામેનો તેઓ એકલા વિરોધ કરી રહ્યાં નથી. તેમના પોતાના જિલ્લાના કેટલાક લોકો સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયના ઘણા લોકોએ બાંગ્લાદેશમાં લઘુમતી જૂથો વિરુદ્ધ કરવામાં આવી રહેલી હિંસક કાર્યવાહીની નિંદા કરી છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસ વચગાળાના વડાપ્રધાન બન્યાં છે, ત્યારે અમેરિકાએ આ નવી સરકારને મદદ કરવી જોઇએ, જેથી હિંસા અને અશાંતિનો અંત આવે. બાઇડન સરકારે બાંગ્લાદેશના પીડિત હિંદુઓ અને અન્ય લઘુમતીઓને શરણાર્થી તરીકેનો સુરક્ષિત દરજ્જો આપવો જોઇએ.
કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે વિવિધ મીડિયા અહેવાલોમાં હિંદુ વિરોધી હુમલાના વિશ્વસનીય પ્રત્યક્ષદર્શી અહેવાલો દર્શાવે છે કે મોટા ભાગે હુમલા થઈ રહ્યાં છે.