રવિવારે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાન સામે ગ્રુપ Aની મેચ 6 વિકેટથી જીતીને ભારતની સજીવન સજના અને દીપ્તિ શર્મા પેવેલિયનમાં પાછા ફરે છે. (ANI ફોટો)

સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) માં ગયા સપ્તાહે શરૂ થયેલી મહિલા ટી-20 વર્લ્ડ કપના પોતાના બીજા મુકાબલામાં રવિવારે ભારતીય ટીમે પાકિસ્તાનને છ વિકેટે હરાવી સેમિફાઈનલમાં પહોંચવાની તેની તકો જીવંત રાખી હતી. બન્ને હરીફો બે-બે મેચ રમી ચૂક્યા છે અને તેમાંથી એક-એકમાં તેમનો પરાજય થયો છે. ગ્રુપ સ્ટેજમાં બન્ને ટીમ એ ગ્રુપમાં સાથે જ છે. ભારત અગાઉ ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું હતું, તો પાકિસ્તાનનો પ્રથમ મેચમાં શ્રીલંકા સામે વિજય થયો હતો.

રવિવારની મેચમાં પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો અને ટીમ 8 વિકેટે 105 રન કરી શકી હતી. પાકિસ્તાનની નિદા દારે સૌથી વધુ 28 રન કર્યા હતા, તો ભારત તરફથી અરૂંધતી રેડ્ડીએ ત્રણ, શ્રેયાંકા પાટિલે બે તથા રેણુકા, દીપ્તી અને આશાએ એક-એક વિકેટ લીધી હતી.

જવાબમાં ભારતે 18.5 ઓવરમાં ફક્ત ચાર વિકેટે 108 રન કરી નાખતા ટીમનો છ વિકેટે વિજય થયો હતો. શેફાલી વર્માએ 32, સુકાની હરમનપ્રીતે 29 અને જેમિમા રોડ્રીગ્ઝે 23 રન કર્યા હતા. ભારતની અરૂંધતીને 19 રનમાં ત્રણ વિકેટના તેના દેખાવ બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાઈ હતી.

 

LEAVE A REPLY