ભારત ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ગિલ ઉર્ફે અર્શ ડલ્લાના પ્રત્યાર્પણ માટે કેનેડા સમક્ષ નવેસરથી માગણી કરશે. ઓન્ટારિયોમાં ગોળીબારની ઘટના બાદ 28 ઓક્ટોબરે તેની ધરપકડ કરાઈ હતી. ડલ્લા ભારતના કેટલાક મોસ્ટ-વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક છે જે 2018 થી કેનેડામાં આશ્રય આપી રહ્યો છે.
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાનું પ્રત્યાર્પણ કરવા કેનેડા સમક્ષ માંગ કરશે. ડલ્લા ખાલિસ્તાની ટાઈગર ફોર્સનો પ્રમુખ છે અને તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર થયેલી છે. પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘જાહેર કરાયેલા આતંકવાદી અર્શ સિંહ ગિલ ઉર્ફે અર્શ ડલ્લાની કેનેડામાં ધરપકડ કરવામાં આવી હોવાના મીડિયા રિપોર્ટ અમારા ધ્યાને આવ્યા છે. ડલ્લા ખાલિસ્તાની ટાઈગર ફોર્સનો પ્રમુખ છે. કેનેડાની પ્રિન્ટ સહિતની મીડિયાએ ડલ્લાની ધરપકડના સમાચારો પ્રકાશિત કર્યા છે. અમે સમજીએ છીએ કે, ઑન્ટારિયો કોર્ટ ડલ્લાના કેસની સુનાવણી કરવાની છે.
ભારતમાં ડલ્લા વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, બળજબરીથી વસૂલી અને આતંકવાદીઓને નાણાંકીય સહાય સહિત આતંકવાદી કૃત્યોના 50થી વધુ કેસો નોંધાયેલા છે. મે-2022માં તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. ભારતે 2023માં ડલ્લાને આતંકવાદી જાહેર કર્યો હતો. ભારતે જુલાઈ-2023માં કેનેડાને વિનંતી કરી હતી કે, તેની ધરપકડ કરવામાં આવે.