સીએટલમાં ઇન્ડિયન કોન્સ્યુલેટ ખાતે નવા વિઝા એપ્લિકેશન સેન્ટરનું ગયા સપ્તાહે શુક્રવારે ઉદ્ધાટન કરાયું હતું. ગ્રેટર સીએટલ એરીઆના આ સેન્ટરમાં ભારતીયોને વિઝા અને પાસપોર્ટની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ રહેશે.
આ ઉદ્ધાટન પ્રસંગે સીએટલના મેયર બ્રુસ હેરેલ, પોર્ટ કમિશનર સેમ ચો અને સ્ટેટ રીપ્રેઝન્ટટેટિવ વંદના સ્લેટર સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મેયર હેરલે અરજદારોને પ્રથમ ભારતીય પાસપોર્ટ અને વિઝા સુપરત કર્યા હતા.
મેયરે સીએટલમાં ભારતીય સમુદાયની પ્રશંસા કરી હતી અને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધ માટે આપેલા યોગદાનને બિરદાવ્યું હતું.
આ ઉપરાંત સીએટલમાં પૂર્વના વિસ્તારના લોકોને આ સર્વિસીઝનો સરળ લાભ મળી રહે તે માટે બેલેવ્યુ ખાતે હવે ડ્રોપ-ઓફ સુવિધા શરૂ કરવામાં આવી છે.
સીએટલ અને બેલેવ્યુ ઇન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટર્સ (IVAC)નું સંચાલન વીએફએસ ગ્લોબલ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા વિઝા સર્વિસીઝનું કામ સોંપવામાં આવ્યું છે. આ સેન્ટર્સ ભારતીય નાગરિકો માટે વિઝા પ્રોસેસ સુવ્યવસ્થિત કરવા અને અન્ય કોન્સ્યુલરની જરૂરિયાતોમાં સહાય કરવા માટે શરૂ કરવામાં આવ્યા છે.
સીએટલમાં ભારતના કોન્સલ જનરલ પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “સીએટલમાં શરૂ થયેલી ભારતીય કોન્સ્યુલેટ પેસિફિક નોર્થવેસ્ટ રાજ્યો સાથેના સંબંધો ગાઢ બનાવવાની ભારત સરકારની પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત કરે છે.”
આ કોન્સ્યુલર સર્વિસીઝથી મોટા ભારતીય ડાયસ્પોરા સમુદાયને લાભ મળશે, જેમાં નવ પેસિફિક નોર્થવેસ્ટર્ન રાજ્યો- અલાસ્કા, ઇડાહો, મોન્ટાના, નેબ્રાસ્કા, નોર્થ ડાકોટા, ઓરેગોન, સાઉથ ડાકોટા, વોશિંગ્ટન અને વ્યોમિંગને આવરી લેવાશે.