ભારત ટેરિફમાં ઘટાડો કરવા માટે સંમત થયું હોવાનો અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા વચ્ચે સરકારે બુધવારે સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે ભારત અને અમેરિકા વેપાર સમજૂતી માટે મંત્રણા કરી રહ્યાં છે. બંને દેશોએ માર્કેટ એક્સેસમાં વધારો કરવા તથા આયાતજકાત અને નોન ટેરિફ અવરોધોમાં ઘટાડો કરવા ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે. બંને દેશો સપ્લાઇ ચેઇનના સંકલન પર કામગીરી કરી રહ્યાં છે.
લોકસભામાં એક લેખિત જવાબમાં, વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યપ્રધાન જિતિન પ્રસાદે જણાવ્યું હતું કે આજની તારીખે, અમેરિકાએ ભારત પર કોઇ પારસ્પરિક ટેરિફ લાદી નથી. બંને દેશો પરસ્પર ફાયદાકારક, બહુ-ક્ષેત્રીય દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરવાની યોજના ધરાવે છે. બંને દેશો બજાર ઍક્સેસ વધારવા, ટેરિફ અને નોન-ટેરિફ અવરોધો ઘટાડવા અને સપ્લાય ચેઇન એકીકરણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
અમેરિકાએ ૧૩ ફેબ્રુઆરીના રોજ પારસ્પરિક વેપાર અને ટેરિફ પર એક મેમોરેન્ડમ બહાર પાડ્યું હતું, જેમાં યુએસ વાણિજ્ય પ્રધાન અને યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)એ વેપાર ભાગીદારો દ્વારા અપનાવવામાં આવેલી કોઈપણ બિન-પારસ્પરિક વેપાર વ્યવસ્થાથી અમેરિકાને થતા નુકસાનની તપાસ કરવા માટે જરૂરી પગલાં લેવા અને દરેક વેપાર ભાગીદાર માટે વિગતવાર સૂચિત ઉપાયો સાથેનો અહેવાલ પ્રદાન કરવાનો રહેશે.
પ્રસાદે કહ્યું હતું કે ભારત પરસ્પર ફાયદાકારક અને ન્યાયી દ્વિપક્ષીય વેપાર સંબંધોને વધારવા અને વિસ્તૃત કરવા માટે અમેરિકા સાથે સંપર્કમાં રહેવાનું ચાલુ રાખશે. આ એક ચાલુ કવાયત છે અને ભારતીય નિકાસકારો વેપાર બાસ્કેટ અને નિકાસ સ્થળોને વૈવિધ્યીકરણ કરવા માટે કામ કરી રહ્યા છે.
વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે સોમવારે સંસદીય પેનલને જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વાટાઘાટો હજુ પણ ચાલુ છે અને વેપાર ટેરિફ પર હજુ સુધી કોઈ કરાર થયો નથી.
