(ANI Photo)

ચીનમાં મંગળવારે પુરી થયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી સ્પર્ધામાં યજમાન ચીનને ફાઈનલમાં 1-0 થી હરાવી ભારતે તાજ જાળવી રાખ્યો હતો. આ વર્ષે તો ભારતે સમગ્ર ટુર્નામેન્ટમાં એકપણ મેચમાં પરાજય વિના ટાઈટલ હાંસલ કર્યું હતું.

મેચના પ્રથમ ત્રણ કવાર્ટરમાં બન્ને ટીમો એકપણ ગોલ કરી શકી નહોતી. ભારતે શરૂઆત આક્રમક કરી હતી, પણ ચીનના મજબૂત ડીફેન્સના કારણે ગોલ કરવામાં ભારતીય ખેલાડીઓને સફળતા નહોતી મળી. ત્રીજા ક્વાર્ટરમાં ચીને આક્રમક રમત અપનાવી હતી, પણ તેનો ભારતીય ટીમે મજબૂત મુકાબલો કર્યો હતો.

આખરે ચોથા ક્વાર્ટરની સાતમી મિનિટે ભારતના જુગરાજ સિંઘે ફીલ્ડ ગોલ કરી ટીમને 1 ગોલની સરસાઈ આપતા ભારતીય ખેલાડીઓનો જુસ્સો ચરમ સીમાએ પહોંચ્યો હતો. આ સરસાઈ પછી બરાબરી માટે ચીને ગોલકીપરને હટાવી ફિલ્ડમાં એક ખેલાડી વધાર્યો હતો, પણ તેની એ વ્યૂહરચના પણ કારગત નિવડી નહોતી.

સેમિફાઈનલમાં દ. કોરીઆ સામે વિજયઃ સોમવારે (16 સપ્ટેમ્બર) સાઉથ કોરીઆને 4-1થી હરાવી ભારત ફાઈનલમાં પહોંચ્યું હતું. ડીફેન્ડીંગ ચેમ્પિયન ભારતનો આ છઠ્ઠી વખતનો ફાઈનલ પ્રવેશ છે.

પાકિસ્તાન સામે 2-1થી વિજયઃ આ અગાઉ, શનિવારે ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. મેચના પ્રથમ ક્વાર્ટરમાં પાકિસ્તાનના અહેમદ નદીમે 7મી મિનિટે ગોલ કર્યો હતો, તો એ પછી 13મી મિનિટે હરમનપ્રીતે પેનાલ્ટી કોર્નરને ગોલમાં કન્વર્ટ કર્યો હતો. તો બીજા ક્વાર્ટરમાં પણ હરમનપ્રીતે બીજો ગોલ કરી ભારતને લીડ અપાવી હતી. એકંદરે, ભારતનો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં પાકિસ્તાન સામે આ આઠમો વિજય છે. આ વર્ષની સ્પર્ધામાં પાકિસ્તાન ફક્ત બે મેચમાં વિજેતા રહી હતી. 13 વર્ષ પહેલા 2011માં આ સ્પર્ધાની શરૂઆત થઈ ત્યારથી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ચાર વખત અને પાકિસ્તાન ત્રણ વખત ચેમ્પિયન રહ્યા છે. 2021માં દક્ષિણ કોરીઆએ ખિતાબ જીત્યો હતો.

LEAVE A REPLY