ન્યૂઝીલેન્ડની યાત્રા પર ગયેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓકલેન્ડમાં ટૂંકસમયમાં નવું કોન્સ્યુલેટ ખોલવાની શુક્રવાર, 9 ઓગસ્ટે જાહેરાત કરી હતી. ઓકલેન્ડમાં ઇન્ડિયન ડાયાસ્પોરાને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે તેનાથી ન્યૂઝીલેન્ડ સાથે ભારતના રાજદ્વારી સંબંધો મજબૂત બનશે અને ઇન્ડિયન ડાયાસ્પોરા માટે સુવિધામાં વધારો થશે.
ઓકલેન્ડમાં ભારતીય સમુદાયના સ્વાગત સમારોહને સંબોધતા મુર્મુએ ન્યુઝીલેન્ડમાં ડાયસ્પોરાની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે ભારતીય ડાયસ્પોરાએ ન્યુઝીલેન્ડના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ભારતીય મૂળના લોકો ન્યુઝીલેન્ડની વસ્તીના છ ટકા હિસ્સો ધરાવે છે. તેમની સખત મહેનત અને બલિદાનથી ડાયસ્પોરાએ દેશના વિકાસ અને અર્થતંત્રમાં ફાળો આપ્યો છે. તેમણે ઇન્ડિયન ડાયાસ્પોરાની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ વકીલ અને ન્યાયાધીશ આનંદ સત્યાનંદનું ઉદાહરણ ટાંક્યું હતું. સત્યાનંદે 2006થી 2011 દરમિયાન ન્યુઝીલેન્ડના 19મા ગવર્નર-જનરલ તરીકે સેવા આપી હતી.
હાલમાં, ઓકલેન્ડમાં ભારતના માનદ કોન્સ્યુલ છે. ન્યુઝીલેન્ડમાં ભારતીય હાઈ કમિશન વેલિંગ્ટનમાં આવેલું છે. 2018ની વસ્તી ગણતરી મુજબ, ન્યુઝીલેન્ડમાં ભારતીય ડાયસ્પોરાની સંખ્યા 2,50,000 છે.