પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે ભારત સાથેના સંબંધો સામાન્ય બનાવવા માટે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ઇસ્લામાબાદમાં કહ્યું હતું કે, સારા સંબંધો માટે પરસ્પર ઇચ્છાશક્તિ જરૂરી છે. તાળી બન્ને હાથે પડે છે. બીજી તરફ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવા પર પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારની ટિપ્પણી પર કટાક્ષ કર્યો હતો કે ત્યાં ‘ટી’ માટે ‘ટેરરિઝ્મ’ છે, ‘ટેન્ગો’ નથી. ઇશાક ડારે વધુમાં જણાવ્યું હતું કે, “સંબંધો સુધારવા બે વ્યક્તિની જરૂર હોય છે. એકતરફી પ્રયાસ શક્ય નથી. ભારત સાથે સંબંધો સારા બનાવવા માટે યોગ્ય માહોલ તૈયાર કરવો જરૂરી છે.” ડારે આવતા મહિને બાંગ્લાદેશના પ્રવાસની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ગયા વર્ષે ઓગસ્ટમાં હસીના સરકારના પતન પછી ઇસ્લામાબાદ અને ઢાકા નવેસરથી સંબંધો વિકસાવી રહ્યા છે. બાંગ્લાદેશ ખોવાયેલા ભાઇ જેવો છે. તેની સાથે આર્થિક સ્થિરતા અને દ્વિપક્ષીય સંબંધોને સારા કરવાનો પ્રયાસ ચાલુ છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે, 2019માં પુલવામા ખાતે ભારતીય સેના પર હુમલા પછી ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં ત્રાસવાદી કેમ્પો પર એર સ્ટ્રાઇક કરી હતી. ત્યાર પછી બંને દેશના સંબંધોમાં તણાવ વધ્યો હતો.

LEAVE A REPLY