ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, દેશમાં આર્થિક પ્રવૃત્તિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સતત કાર્યરત છે. ભારત 2075 સુધીમાં અમેરિકાથી આગળ વધીને વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવાની દિશામાં મોખરે છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 3-4 વર્ષમાં લગભગ આઠ કરોડ નવી નોકરીનું સર્જન થયું છે. નમો એપ દ્વારા દેશની સિદ્ધિઓને સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પર વર્ણવતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, “પેરિસમાં હવે યુપીઆઇ લાઇવ છે ત્યારે દેશે SEBEX 2 વિકસાવ્યું છે. તે સ્ટાન્ડર્ડ ટ્રિનીટ્રોટોલ્યુએન (ટીએનટી) કરતાં 2.01 ગણું વધુ દમદાર છે. વિશ્વમાં સાઇક્લિંગના પાટનગર યુરોપને સાઇકલની નિકાસ હોય કે અન્ય કોઇ ઉત્પાદન હોય વિશ્વભરમાં ‘મેક ઇન ઇન્ડિયા’નો દબદબો વધી રહ્યો છે. નમો એપ પર ઉપલબ્ધ ડેટા અનુસાર ભારતના સર્વેલન્સ માર્કેટનું કદ અત્યારે 4.3 બિલિયન ડોલર છે, જે 2039 સુધીમાં 15 અબજ ડોલરને પાર કરી જશે તેવો અંદાજ છે. દેશનું ફૂડ સર્વિસિસ માર્કેટ અત્યારે રૂ. 5.5 ટ્રિલિયનથી વધીને 2030 સુધીમાં રૂ. નવ ટ્રિલિયન થવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે, નમો એપ વડાપ્રધાન મોદીની સત્તાવાર મોબાઇલ એપ્લિકેશન છે. તે યુઝર્સને વિવિધ કામગીરીમાં યોગદાનની તક આપવા સાથે ઇન્સ્ટન્ટ અપડેટ્સ પણ પૂરા પાડે છે. એપ દ્વારા યુઝરને વડાપ્રધાન મોદીના મેસેજ અને ઇ-મેઇલ સીધા પ્રાપ્ત થાય છે.

LEAVE A REPLY