ભારતના પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમનો પાંચ ટી-20ની સીરીઝમાં 1-4થી પરાજય પછી ભારતે ત્રણ વન-ડેની સીરીઝની ગયા સપ્તાહે રમાયેલી પ્રથમ બે મેચમાં ઈંગ્લેન્ડને ધરખમ રીતે હરાવી બન્ને મેચ અને સીરીઝ ઉપર વધુ એક વિજયનો સિક્કો મારી દીધો હતો. નાગપુરમાં ગુરૂવારે (6 ફેબ્રુઆરી) રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતનો ચાર વિકેટે અને પછી રવિવારે (9 ફેબ્રુઆરી) કટકમાં રમાયેલી બીજી વન-ડેમાં પણ ચાર વિકેટે વિજય થયો હતો. બન્ને મેચમાં ઈંગ્લેન્ડના સુકાની જો બટલરે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો.
કટકમાં રવિવારે રમાયેલી બીજી મેચમાં ઈંગ્લેન્ડનો ટોપ ઓર્ડર તો પ્રભાવશાળી રહ્યો હતો અને ઓપનર્સે 81 રનની ભાગીદારી કરી હતી. 39મી ઓવરમાં ચાર વિકેટે 219 રનના મજબૂત કહી શકાય તેવી સ્થિતિમાં રહ્યા પછી એકંદરે ટીમ તેનો બરાબર લાભ લઈ શકી નહોતી અને 325 થી 350ના સ્કોરની ધારણા સામે ટીમ છેલ્લી ઓવરમાં 304 રનમાં, છેલ્લી 11 ઓવરમાં 85 રન ઉમેરી ઓલાઉટ થઈ ગઈ હતી. ઓપનર બેન ડકેટે 65, જો રૂટે 69 અને લિવિંગ્સ્ટને 41 રન કર્યા હતા, તો ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 35 રનમાં ત્રણ તથા શમી, રાણા, હાર્દિક પંડ્યા અને વરૂણ ચક્રવર્તીએ એક-એક વિકેટ લીધી હતી.
એ પછી ભારતને પણ સુકાની રોહિત શર્મા અને ઉપસુકાની શુભમન ગિલે શાનદાર શરૂઆત આપી હતી અને બન્નેએ 136 રનની ભાગીદારી કરી હતી. તેમની બેટિંગ દરમિયાન એક ફલડ લાઈટ અચાનક બંધ થઈ જતાં મેચમાં વિક્ષેપ પડ્યો હતો, જો કે તેનાથી તેમની બેટિંગની રીધમ કે એકાગ્રતાને સદનસીબે કોઈ અસર થઈ નહોતી. ભારતે 6.2 ઓવરમાં 50 અને 13.3 ઓવરમાં 100 રન કર્યા હતા. રોહિત શર્માએ 30 બોલમાં અને ગિલે 45 બોલમાં અડધી સદી કરી હતી. રોહિત શર્માએ સદી પુરી કરી હતી, જેમાં સાત છગ્ગા અને 9 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. તે એકંદરે 119 રન કરી આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 30મી ઓવરમાં 3 વિકેટે 220 થયો હતો અને ટાર્ગેટ 305 રનથી ટીમ ફક્ત 85 રન દૂર હતી. શુભમન ગિલે 52 બોલમાં 60 રન એક છગ્ગા અને 9 ચોગ્ગા સાથે કર્યા હતા. અક્ષર પટેલે બીજી મેચમાં પણ અણનમ 41 તથા શ્રેયસ ઐયરે 44 રનનો મહત્ત્વનો ફાળો આપ્યો હતો. ભારત 45મી ઓવરમાં છ વિકેટ ગુમાવી વિજયની મંઝિલે પહોંચી ગયું હતું. રોહિત શર્માને તેની ધમાકેદાર સદી બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
પ્રથમ વન-ડેમાં ભારતનો ચાર વિકેટે વિજયઃ અગાઉ ગુરૂવારે નાગપુરમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં પણ ભારતનો ચાર વિકેટે વિજય થયો હતો. ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ લીધી હતી અને 48મી ઓવરમાં ટીમ 248 રનમાં ઓલાઉટ થઈ ગઈ હતી. ઓપનર્સે 75 રનની સારી શરૂઆત આપી હતી, તે પછી સુકાની બટલર અને જેકબ બેથેલે પાંચમી વિકેટની ભાગીદારીમાં 59 રન કર્યા હતા, તે સિવાય કોઈ મોટી ભાગીદારી થઈ નહોતી. બટલરે 52 અને બેથેલે 51 રન કર્યા હતા, તો સોલ્ટે 43 અને ડકેટે 32 કર્યા હતા. ભારત તરફથી હર્ષિત રાણા અને રવિન્દ્ર જાડેજાએ 3-3 તથા શમી, અક્ષર પટેલ અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી.
જવાબમાં ભારતે ફક્ત 19 રનમાં બન્ને ઓપનર્સ – યશસ્વી જયસ્વાલ અને સુકાની રોહિતની વિકેટ ગુમાવી દીધી હતી, પણ એ પછી શ્રેયસ ઐયર અને શુભમન ગિલે 94 રનની મહત્ત્વની ભાગીદારી કરી હતી. ઐયરે 36 બોલમાં 59 રનની ઝંઝાવાતી બેટિંગ સાથે ઈંગ્લેન્ડના બોલર્સની રીધમ બગાડી નાખી હતી, તો શુભમન ગિલ ધીરજપૂર્વક રમી 96 બોલમાં 87 રન કર્યા હતા. તે 37મી ઓવરમાં આઉટ થયો ત્યારે ટીમ વિજયથી માત્ર 14 રન દૂર હતી. અક્ષર પટેલે પણ 47 બોલમાં 52 રન કર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી સાકિબ મહમૂદ અને આદિલ રશિદને 2-2 તથા જોફ્રા આર્ચર તથા જેકબ બેથેલને એક-એક વિકેટ મળી હતી. શુભમન ગિલને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

LEAVE A REPLY