ભારતે રવિવાર, 17 નવેમ્બરે ઓડિશાના દરિયાકાંઠે લાંબા અંતરની હાયપરસોનિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આની સાથે ભારતે અત્યંત ઝડપે પ્રહાર કરવાની અને મોટાભાગની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને ભેદતી મિસાઇલો ધરાવતા વિશ્વના ચુનંદા દેશોમાં સ્થાન હાંસલ કર્યું હતું.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દેશના પ્રથમ લાંબા અંતરના હાઇપરસોનિક મિશન હેઠળ મિસાઇલ પરીક્ષણને “અદભૂત” સિદ્ધિ અને “ઐતિહાસિક ક્ષણ” ગણાવી હતી.ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડૉ. APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી લાંબા અંતરની હાયપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક ફ્લાઇટ ટ્રાયલ કરીને ભારતે એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા વિકસિત આ મિસાઈલ 1,500 કિમીથી વધુની રેન્જનું વિવિધ પેલોડ વહન કરી શકે છે. સામાન્ય રીતે, હાયપરસોનિક મિસાઇલો, પરંપરાગત વિસ્ફોટકો અથવા પરમાણુ શસ્ત્રો વહન કરી શકે છે. તે દરિયાની સપાટી પરથી અવાજની સ્પીડ કરતાં પાંચ ગણી ગતિથી પ્રહાર કરી શકે છે.
હાલમાં રશિયા અને ચીન હાઇપરસોનિક મિસાઇલો વિકસાવવામાં ખૂબ આગળ છે જ્યારે યુએસ મહત્વાકાંક્ષી કાર્યક્રમ હેઠળ આવા શસ્ત્રોની શ્રેણી વિકસાવવાની પ્રક્રિયામાં છે.ફ્રાન્સ, જર્મની, ઑસ્ટ્રેલિયા, જાપાન, ઈરાન અને ઈઝરાયેલ સહિત અન્ય કેટલાક દેશો પણ હાયપરસોનિક મિસાઈલ સિસ્ટમ વિકસાવવા માટેના પ્રોજેક્ટને હાથ ધરી રહ્યાં છે.