
પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે ભારતે સોમવાર, 28 એપ્રિલે 26 રાફેલ ફાઇટર જેટ ખરીદવા માટે ફ્રાન્સ સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતાં. રૂ.64,000 કરોડના આ સોદા માટે ફ્રાન્સ અને ભારત સરકાર વચ્ચેની સમજૂતી પર એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં હસ્તાક્ષર થયાં હતાં. આ રાફેલ યુદ્ધવિમાનો ભારતના નૌકાદળમાં સામેલ કરાશે.
ભારત વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર તૈનાત કરવા માટે ફ્રાન્સની સંરક્ષણ કંપની દસોલ્ટ એવિએશન પાસેથી જેટ ખરીદી રહ્યું છે. સમજૂતી પર હસ્તાક્ષર સમારોહમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હાજર રહ્યાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)એ ખરીદીને મંજૂરી આપ્યાના ત્રણ અઠવાડિયા પછી આ મેગા ડીલ પર મહોર લાગી હતી. સમજૂતીની શરતો હેઠળ, કરાર પર હસ્તાક્ષર થયાના લગભગ પાંચ વર્ષ પછી જેટની ડિલિવરી શરૂ થશે.
આ સોદા હેઠળ, ભારતીય નૌકાદળને રાફેલ (મરીન) જેટના ઉત્પાદક દસોલ્ટ એવિએશન પાસેથી શસ્ત્ર પ્રણાલીઓ અને સ્પેરપાર્ટ્સ સહિત સંબંધિત સહાયક ઉપકરણો પણ મળશે. અગાઉ ભારતીય વાયુસેનાએ 36 રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ઉડાન ભરી શકે તેવી સ્થિતિમાં ખરીદ્યા હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ અને વ્યૂહાત્મક સંબંધોમાં વધારો થયો છે.
