અમેરિકાના જાણીતા અખબાર વોશિંગ્ટન પોસ્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, માલદીવના પ્રેસિડન્ટ મોહમ્મદ મુઇઝુની સરકાર ઉથલાવી પાડવાના નિષ્ફળ કાવતરામાં ભારતની સંડોવણી હતી. જોકે, ભારત સરકારે આ દાવાને કડક શબ્દોમાં વખોડ્યો હતો. આ ઉપરાંત એવો પણ દાવો કરાયો હતો કે ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં કેટલાક ત્રાસવાદી તત્વોને ખતમ કરવા માટે 2021થી એક ઓપરેશન હાથ ધર્યું છે, ભારતે આ આક્ષેપને પણ ફગાવ્યો હતો.
આ અંગે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, અખબાર ભારત પ્રત્યે દુશ્મનાવટને વધારી રહ્યું છે.
માલદીવ પરના તેના રીપોર્ટમાં વોશિંગ્ટન પોસ્ટ દ્વારા ‘ડેમોક્રેટિક રીન્યુઅલ ઇનિશિયેટિવ’ નામના ડોક્યુમેન્ટને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે, વિપક્ષી નેતાઓએ મુઇઝુ સામે મહાભિયોગ લાવવા માટે 40 સાંસદોને લાંચ આપવાની દરખાસ્ત કરી હતી. ઘણા મહિનાઓ સુધીની ગુપ્ત ચર્ચા પછી પણ કાવતરાખોરો પ્રેસિડન્ટ સામે મહાભિયોગ દરખાસ્ત લાવવાના જરૂરી સહમતી સાધી શક્યા નહોતા.
પાકિસ્તાનમાં ભારતના ‘શેડો’ ઓપરેશન અંગેના રીપોર્ટમાં વોશિંગ્ટન પોસ્ટ દ્વારા પાકિસ્તાન અને પશ્ચિમી અધિકારીઓને ટાંકીને દાવો કર્યો હતો કે, ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સી-રો પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 6 જેટલા ત્રાસવાદીઓ મારવા માટે 2021થી એક કાર્યક્રમ ચલાવી રહી છે.

LEAVE A REPLY