માલદીવના પ્રેસિડન્ટ મોહમ્મદ મુઇઝુની સરકાર ઉથલાવી પાડવાના નિષ્ફળ ષડયંત્રમાં ભારતના કનેક્શનનો દાવો કરતા વોશિંગ્ટન પોસ્ટના રીપોર્ટને ભારતે સખત શબ્દોમાં વખોડી કાઢ્યાં હતાં. આ વર્તમાનપત્રના બીજા રીપોર્ટમાં દાવો કરાયો હતો કે ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં કેટલાંક આતંકી તત્વોને ખતમ કરવાનું 2021થી એક ઓપરેશન હાથ ધર્યું છે. ભારતે આ અહેવાલને પણ નકારી કાઢ્યો હતો.
ભારતના વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે અખબાર અને આ રિપોર્ટર ભારત પ્રત્યે દુશ્મનાવટનો ઉછેર કરી રહ્યું છે. તમે તેમની પ્રવૃત્તિઓમાં એક પેટર્ન જોઈ શકો છો.
માલદીવ પરના તેના અહેવાલમાં વોશિંગ્ટન પોસ્ટ ‘ડેમોક્રેટિક રિન્યુઅલ ઇનિશિયેટિવ’ નામના દસ્તાવેજને ટાંકીને દાવો કર્યો હતો કે વિપક્ષી નેતાઓ મુઇઝુ સામે મહાભિયોગ લાવવા માટે 40 સંસદસભ્યોને લાંચ આપવાની દરખાસ્ત કરી હતી. ઘણા મહિનાઓ સુધીની ગુપ્ત વાટાઘાટો પછી પણ કાવતરાખોરો પ્રેસિડન્ટ સામે મહાભિયોગ દરખાસ્ત લાવવાના પૂરતા મતો એકઠા કરી શક્યા ન હતાં.
પાકિસ્તાનમાં ભારતના ‘શેડો’ ઓપરેશન અંગેના તેના અહેવાલમાં વોશિંગ્ટન પોસ્ટે પાકિસ્તાન અને પશ્ચિમી અધિકારીઓને ટાંકીને દાવો કર્યો હતો કે ભારતીય ગુપ્તચર એજન્સી રો પાકિસ્તાનમાં ઓછામાં ઓછા અડધો ડઝન આતંકીને ખતમ કરવા માટે 2021થી એક પ્રોગ્રામ ચલાવી રહી છે.
પાકિસ્તાન અંગેના રીપોર્ટની પ્રતિક્રિયા આપતા જયસ્વાલે હિલેરી ક્લિન્ટનની ચેતવણીની યાદ આપીને જણાવ્યું હતું કે જો તમે તમારા ઘરની પાછળ સાપ રાખો છો, તો તે તમારા પાડોશીને જ ડંખ મારશે તેવું નથી, પરંતુ તે તમારા ઘરના લોકોને પણ ડંખશે.