ભારત અને પાકિસ્તાને શુક્રવારે કાશ્મીરના પૂંછ જિલ્લાની લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર ‘ફ્લેગ મીટિંગ’ યોજી હતી, જેમાં સરહદ પારથી ગોળીબાર અને IED હુમલાની તાજેતરની ઘટનાઓ બાદ તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં બંને પક્ષોએ સરહદ પર શાંતિ જાળવવા અંગે ચર્ચા કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ બ્રિગેડ કમાન્ડર-સ્તરની ‘ફ્લેગ મીટિંગ’ ‘ચકન-દા-બાગ ક્રોસિંગ પોઈન્ટ’ વિસ્તારમાં થઈ હતી, જેમાં બંને દેશો સરહદે શાંતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે અંદાજે 75 મિનિટ સુધી યોજાયેલી આ મીટિંગ લગભગ 11 કલાકે શરૂ થઈ હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ મીટિંગ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઇ હતી અને બંને દેશોએ સરહદ પર શાંતિના વ્યાપક હિતમાં યુદ્ધવિરામ સમજૂતીનું સન્માન કરવા તૈયારી દર્શાવી હતી. ચાર વર્ષ અગાઉ 25 ફેબ્રુઆરી, 2021ના રોજ બંને દેશોએ યુદ્ધવિરામની સમજૂતી આગળ વધારી ત્યારથી જમ્મુ-કાશ્મીરની સરહદો પર યુદ્ધવિરામના ઉલ્લંઘનની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. જોકે, તાજેતરમાં કેટલીક ચિંતાજનક ઘટનાઓ બની હતી. ગત 11 ફેબ્રુઆરીએ LoCના અખનૂર સેક્ટરમાં બે ભારતીય સૈનિકોની શહીદી ઉપરાંત, પૂંછ અને રાજૌરી જિલ્લામાં LoC પાર પાકિસ્તાનના ગોળીબારમાં બે અન્ય સૈનિકો ઘાયલ થયા હતા.

LEAVE A REPLY