(ANI Photo)

યુક્રેનની યાત્રાએ ગયેલા ભારતના નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 23 ઓગસ્ટે પ્રેસિડન્ટ વોલોડીમિર ઝેલેન્સકીને યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે રશિયા સાથે વાતચીત માટે કરવા અનુરોધ કર્યો હતો તથા શાંતિ લાવવામાં મદદ કરવા એક મિત્ર તરીકે કામ કરવાની ઓફર કરી હતી. રશિયા-યુક્રેન સંઘર્ષના મુદ્દે નવી દિલ્હી તટસ્થ કે ઉદાસીન નથી, પરંતુ હંમેશા શાંતિની પડખે છે. તેઓ કીવમાં શાંતિનો પૈગામ લઇને આવ્યાં છે.

ઝેલેન્સ્કી સાથેના સંયુક્ત નિવેદનમાં મોદીએ ભારતના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો કે કોઇપણ સંઘર્ષનો મંત્રણા અને મુત્સદ્દીગીરી દ્વારા જ ઉકેલ લાવી શકાય છે અને નવી દિલ્હી શાંતિ માટેના પ્રયાસોમાં સક્રિય યોગદાન આપવા તૈયાર છે. તેઓ શાંતિનો સંદેશ લઈને યુક્રેન આવ્યા છે તથા રશિયા અને યુક્રેન વચ્ચે વહેલી તકે વાતચીત કરવાનું આહ્વાન કર્યું હતું.

મોદીએ જણાવ્યું હતું કે યુદ્ધનો ઉકેલ સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા જ શોધી શકાય છે. અને આપણે કોઈ પણ સમય બગાડ્યા વિના તે દિશામાં આગળ વધવું જોઈએ. આ કટોકટીમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવા માટે બંને પક્ષોએ સાથે બેસવું જોઈએ. હું તમને ખાતરી આપવા માંગુ છું કે ભારત શાંતિ તરફના કોઈપણ પ્રયાસોમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. જો હું વ્યક્તિગત રીતે આમાં કોઈ ભૂમિકા ભજવી શકું, તો હું તે કરીશ, જેની હું તમને એક મિત્ર તરીકે ખાતરી આપવા માંગુ છું.

સંયુક્ત પત્રકાર પરિષદમાં પહેલા ઝેલેન્સ્કી બોલ્યાં હતા અને ઝેલેન્સકીને સંવાદ માટેના અનુરોધનો જવાબ આપવાની તક મળી ન હતી. જોકે અગાઉ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેને વારંવાર કહ્યું છે કે તે યુદ્ધનો અંત ઇચ્છે છે, પરંતુ કિવની શરતો પર, રશિયાની નહીં. યુક્રેન શાંતિના તેના વિઝનને આગળ વધારવા અને રશિયાના પ્રતિનિધિઓને સામેલ કરવા માટે આ વર્ષના અંતમાં બીજી આંતરરાષ્ટ્રીય સમિટ યોજવા દબાણ કરી રહ્યું છે.

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડથી ટ્રેન મારફત યુદ્ધગ્રસ્ત યુક્રેનની ઐતિહાસિક મુલાકાતે પહોંચ્યાં હતા અને પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સકી સાથે બેઠક યોજી હતી. મોદીએ યુક્રેનમાં શાંતિ અને સ્થિરતા લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ઝેલેન્સકી સાથે વન-ટુ-વન અને પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. 1991માં યુક્રેન સ્વતંત્ર થયા પછી ભારતીય વડાપ્રધાન દ્વારા યુક્રેનની આ પ્રથમ મુલાકાત હતી અને રશિયાના પશ્ચિમી કુર્સ્ક પ્રદેશમાં કિવના તાજા લશ્કરી આક્રમણ વચ્ચે તેમનો પ્રવાસ આવે છે.

LEAVE A REPLY