અમેરિકાના નાણા પ્રધાન સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પારસ્પરિક ટેરિફને ટાળવા માટે અમેરિકા સાથે વેપાર સમજૂતી કરનારો ભારત પ્રથમ દેશ બને તેવી અપેક્ષા છે. અમેરિકાને ભારતને 26 ટકા રેસિપ્રોકલ ટેરીફમાં 8 જુલાઈ સુધીની રાહત આપેલી ત્યારે આ નિવેદનનું વિશેષ મહત્ત્વ છે.
ન્યૂ યોર્ક પોસ્ટ રીપોર્ટ અનુસાર, બેસેન્ટે બુધવારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારત સાથે વેપાર વાટાઘાટો સફળ નિષ્કર્ષ પર પહોંચવાની “ખૂબ નજીક” છે કારણ કે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં “આટલા ઊંચા ટેરિફ” નથી. ભારતમાં નોન-ટેરિફ વેપાર અવરોધો પણ ઓછા છે, ભારત દેખીતી રીતે તેના ચલણદરમાં ચેંડા કરતું નથી અને ખૂબ જ ઓછી સરકારી સબસિડી આપે છે, તેથી ભારતીયો સાથે સોદો કરવો ખૂબ સરળ છે
અગાઉ ભારતની મુલાકાતે આવેલી અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વેન્સે ભારતને ટેરિફ સિવાયના અવરોધોમાં ઘટાડો કરવાની, અમેરિકાની પ્રોડક્ટ્સ માટે બજારને વધુ ખોલવાની તથા અમેરિકન ઊર્જા અને મિલિટરી હાર્ડવેરની ખરીદીમાં વધારો કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે 21મી સદીને સમૃદ્ધ અને શાંતિપૂર્ણ બનાવવા માટે બંને રાષ્ટ્રો વચ્ચે ગાઢ સંબંધોની રૂપરેખા પણ રજૂ કરી હતી.
વેન્સે વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને મોદીને ‘વિશેષ વ્યક્તિ’ ગણાવ્યા હતાં અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ભારત અને અમેરિકાએ એક થઈને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વેન્સે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે મજબૂત સંબંધો બનાવવા ઇચ્છે છે. ભારત અને અમેરિકા પાસે એકબીજાને આપવા માટે ઘણું બધું છે. બંને સાથે મળીને કામ કરીને ઘણું બધું મેળવી શકે છે. આ જ કારણથી પ્રેસિડન્ટ ટ્રમ્પ અનેક રાજદ્વારી સંગઠનોમાં ભારતના નેતૃત્વનું સ્વાગત કર્યું છે. વેન્સ ભારતના નાગરિક પરમાણુ જવાબદારી કાયદામાં સુધારો કરવા માટે મોદી સરકારની બજેટ જાહેરાતનું પણ સ્વાગત કર્યું હતું.
