વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુવૈતની બે દિવસની મુલાકાત દરમિયાન બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર લઇ જવા માટે સંમત થયા હતાં. બંને દેશોએ સંરક્ષણ, વેપાર, રોકાણ, ઉર્જા, સંરક્ષણ, સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ, ટેક્નોલોજી અને લોકો-થી-લોકોના સંબંધો સંબંધોને મજબૂત બનાવવા માટે મહત્ત્વની સમજૂતીઓઓ કરી હતી.
બે દિવસની મુલાકાતના ભાગરૂપે મોદી શનિવારે કુવૈત પહોંય્યા હતાં. 43 વર્ષમાં કોઇ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત હતી. અગાઉ 1981માં ઈન્દિરા ગાંધીએ કુવૈતની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન મોદીએ રવિવારે કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહ, વડાપ્રધાન અહમદ અબ્દુલ્લા અલ-અહમ અલ સબાહ તથા ક્રાઉન પ્રિન્સ સાથે વ્યાપક વાટાઘાટો કરી હતી. આ બેઠકોમાં દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવાની ચર્ચાવિચારણા કરાઈ હતી.
આ બેઠક પછી ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટોમાં બંને વડાપ્રધાનોએ વેપાર, રોકાણ, ઉર્જા, સંરક્ષણ, સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ, ટેક્નોલોજી અને લોકો-થી-લોકોના સંબંધો સહિતના વિવિધ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના માર્ગરેખા પર ચર્ચા કરી હતી. બંને દેશોએ ડિફેન્સ ઇન્ડસ્ટ્રી, ડિફેન્સ ઇક્વિપમેન્ટ, સંયુક્ત મિલિટરી કવાયત માટે એક ડિફેન્સ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતાં. સ્પોર્ટસ, કલ્ચર અને સોલર એનર્જી સહિતના ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે પણ બીજા એમઓયુ પર પણ હસ્તાક્ષર કરાયાં હતા.
આ બેઠકોમાં દરમિયાન ભારતીય પક્ષે કુવૈતની અધ્યસ્તા મારફત ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ (જીસીસી) સાથેના સહકારને વેગ આપવાનો રસ દર્શાવ્યો હતો. બયાન પેલેસ ખાતે મોદી અને અમીર વચ્ચેની બેઠકમાં બંને નેતાઓએ માહિતી ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ, ફિનટેક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષાના ક્ષેત્રોમાં સંબંધોને વધારવા પર ચર્ચાવિચારણા કરી હતી. મોદીએ કુવૈતમાં 10 લાખથી વધુ ભારતીયોની સુખાકારી સુનિશ્ચિત કરવા બદલ અમીરનો આભાર માન્યો હતો. બીજી તરફ કુવૈતી નેતાએ કુવૈતની વિકાસ યાત્રામાં ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરી હતી.
મોદીએ અમીર સાથેની તેમની મુલાકાતને ઉત્કૃષ્ટ ગણાવીને જણાવ્યું હતું કે બંને રાષ્ટ્રો વચ્ચેના ગાઢ સંબંધોને અનુરૂપ, અમે અમારી ભાગીદારીને વ્યૂહાત્મક સ્તરે લઇ જવાનો નિર્ણય કર્યો છે અને મને આશા છે કે અમારી મિત્રતા આવનારા સમયમાં વધુ ખીલશે.