બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે 19 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ઈટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની વચ્ચે વ્યાપક વાટાઘાટો બાદ ભારત અને ઈટાલીએ સંરક્ષણ, વેપાર, સ્વચ્છ ઉર્જા અને કનેક્ટિવિટી જેવા મુખ્ય ક્ષેત્રોમાં વિશિષ્ટ પહેલોની રૂપરેખા આપતા મહત્વાકાંક્ષી પાંચ વર્ષના વ્યૂહાત્મક એક્શન પ્લાનનું અનાવરણ કર્યું હતું.
એક્શન પ્લાન 2025-29એ દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે 10 વિશિષ્ટ સ્તંભોની ઓળખ કરાઈ હતી. તેમાં આર્થિક સહયોગ અને રોકાણો, ઉર્જા સંક્રમણ, અવકાશ, સંરક્ષણ, સુરક્ષા, માઇગ્રેશન એન્ડ મોબિલિટી, લોકોથી-લોકોના વિનિમયનો સમાવેશ થાય છે.
સોમવારે મોડી રાત્રે G20 સમિટની દરમિયાન યોજાયેલી વાટાઘાટોમાં મોદી અને મેલોનીએ લોકશાહી, કાયદાના શાસન અને ટકાઉ વિકાસના સહિયારા મૂલ્યોને જાળવી રાખવા માટે બહુપક્ષીય અને વૈશ્વિક પ્લેટફોર્મ પર સાથે મળીને કામ કરવાનો સંકલ્પ કર્યો હતો.
મોદીએ એક્સ પર જણાવ્યું હતું કે “અમારી વાટાઘાટો સંરક્ષણ, સુરક્ષા, વેપાર અને ટેક્નોલોજી ક્ષેત્રે ગાઢ સંબંધો પર કેન્દ્રિત હતી. અમે સંસ્કૃતિ, શિક્ષણ અને આવા અન્ય ક્ષેત્રોમાં સહકાર કેવી રીતે વધારવો તે વિશે પણ વાતચીત કરી હતી. ભારત-ઇટાલીની મિત્રતા એક સારા વિશ્વમાં ઘણું યોગદાન આપી શકે છે.
છેલ્લા બે વર્ષમાં બંને વડાપ્રધાનો વચ્ચે આ પાંચમી મુલાકાત હતી. મોદી અને મેલોનીની છેલ્લી મુલાકાત જૂનમાં ઇટાલીના પુગલિયામાં G7 સમિટના પ્રસંગે થઈ હતી.