ભારત સહિતના વિશ્વના દેશો પર 2 એપ્રિલથી પારસ્પરિક ટેરિફનો અમલ કરવાની તૈયારી કરી રહેલા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓએ થોડા સમય પહેલા સાંભળ્યું છે કે ભારત ટેરિફમાં મોટો ઘટાડો કરવા જઈ રહ્યું છે. લાંબા સમય પહેલા આવું કેમ ન કર્યું? ઘણા દેશો તેમની ટેરિફમાં ઘટાડો કરવા જઈ રહ્યાં છે,
ઓવલ ઓફિસમાં પ્રશ્નોના જવાબ આપતા ટ્રમ્પે જણાવ્યું હતું કે મને લાગે છે કે ઘણા દેશો તેમની ટેરિફ ઘટાડશે, કારણ કે તેઓ વર્ષોથી અમેરિકા પર અન્યાયી ટેરિફ લાદી રહ્યા છે. જો તમે યુરોપિયન યુનિયનને જુઓ તો, યુરોપિયન યુનિયને પહેલાથી જ તેમની ટેરિફ 2.5 ટકા સુધી ઘટાડી છે. તેની જાહેરાત બે દિવસ પહેલા થઈ છે. ખૂબ જ ઓછો ઘટાડો કર્યો છે. અમેરિકા ઘણી ઓછી ટેરિફ વસૂલ કરે છે.
ટ્રમ્પની આ ટીપ્પણીના થોડા કલાકો પહેલા વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે જણાવ્યું હતું કે ભારત અમેરિકાની કૃષિ પેદાશો પર 100 ટકા ટેરિફ લાદે છે અને જેવા સાથે તેવાનો સમય આવી ગયો છે. દુર્ભાગ્યવશ આ દેશો ઘણા લાંબા સમયથી આપણા રાષ્ટ્રને છેતરતા રહ્યા છે, અને મને લાગે છે કે, તેઓએ અમેરિકન કામદારો પ્રત્યેનો તેમનો અણગમો સ્પષ્ટ કરી દીધો છે. જો તમે અન્યાયી વેપાર પ્રથાઓ પર નજર નાખો તો અમેરિકન ડેરી પ્રોડક્ટ્સ પર યુરોપિયન યુનિયન 50% (ટેરિફ) અને જાપાન અમેરિકન ચોખા પર 700% ટેરિફ લાદે છે. અમેરિકન કૃષિ ઉત્પાદનો પર ભારત 100% અને અમેરિકન માખણ અને ચીઝ પર કેનેડા લગભગ 300% ટેરિફ વસૂલ કરે છે.
લેવીટે એક ચાર્ટ દર્શાવ્યો હતો. તેમાં ભારત, જાપાન અને બીજા દેશો દ્વારા વસૂલ કરાતી ટેરિફની વિગતો હતી. તેમણે જણાવ્યું હતું કે જેવા સાથે તેવાનો સમય છે અને પ્રેસિડન્ટ માટે ઐતિહાસિક પરિવર્તન લાવવાનો, અમેરિકન લોકો માટે જે યોગ્ય છે તે કરવાનો સમય છે અને તે બુધવારે થવાનું છે.
