શારજાહમાં રમાયેલી અંડર-19 ક્રિકેટ એશિયા કપની સેમિફાઈનલમાં ભારતે શ્રીલંકાને સાત વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિમમાં ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો અને ટીમ 173 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતે મેન ઓફ ધ મેચ સૂર્યવંશીના 67 રનની મદદથી 21.4 ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. વૈભવ સૂર્યવંશીએ 36 બોલમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. તેણે સાથી ઓપનર આયુશ મહાત્રે (34) સાથે પ્રથમ વિકેટ માટે 91 રનની પાર્ટનરશિપ કરી હતી. સિદ્ધાર્થ (22) તથા સુકાની મોહમ્મદ અમાન 25 રન કરીને નોટ આઉટ રહ્યો હતો. કે પી કાર્તિકેયે અણનમ 11 રનનું યોગદાન હતું. ભારતે 170 બોલ બાકી રાખીને જીત મેળવી હતી. શ્રીલંકા તરફથી થ્યુમિકા, ચામુદિથા અને પ્રવીણે એક-એક વિકેટ લીધી હતી. ભારતીય બોલર્સ અગાઉ શ્રીલંકાને સસ્તામાં આઉટ કરવામાં સફળ રહ્યા હતા. લકવિન અભયસિંઘે (69) અને શારુજાન સન્મુગનાથન (42)ને બાદ કરતા અન્ય કોઈ બેટ્સમેન લડત આપી શક્યો નહતો. ભારત તરફથી મીડિયમ પેસર ચેતન શર્માએ ત્રણ વિકેટ ઝડપી હતી. કિરણ ચોરમાલે તથા આયુશ મહાત્રેએ બે-બે વિકેટ લીધી હતી. યુદ્ધજીત ગુહા તથા હાર્દિક રાજે એક-એક સફળતા અપાવી હતી. અગાઉ રમાયેલી પ્રથમ સેમિફાઈનલમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. બાંગ્લાદેશે પાકિસ્તાનનો 117 રનનો ટારગેટ 22.1 ઓવરમાં ત્રણ વિકેટે પાર કરીને સાત વિકેટે વિજય મેળવીને ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું.