ચીનમાં રમાઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી સ્પર્ધામાં ભારતે સોમવારે (16 સપ્ટેમ્બર) સાઉથ કોરીઆને 4-1થી હરાવી ફાઈનલમાં પહોંચ્યું હતું. ડીફેન્ડીંગ ચેમ્પિયન ભારતનો આ છઠ્ઠી વખતનો ફાઈનલ પ્રવેશ છે. આ અગાઉ, શનિવારે ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું.
ભારત માટે કેપ્ટન હરમનપ્રીતે બે તથા ઉત્તમ સિંહ અને જરમનપ્રીતે 1-1 ગોલ કર્યો હતો. દક્ષિણ કોરિયા માટે યંગ જી હુને ટીમનો એકમાત્ર ગોલ કર્યો હતો. ફિલ્ડ ગોલ માટે જરમનપ્રીતને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ભારતનો આ સ્પર્ધામાં આ સતત છઠ્ઠો વિજય છે.
ભારત મંગળવારે ફાયનલમાં યજમાન ચીન સામે રમશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યાથી રમાશે. ચીને સોમવારે પ્રથમ સેમિફાયનલની પેનલ્ટી શૂટ-આઉટમાં પાકિસ્તાનને 2-0થી હરાવ્યું હતું.
પાકિસ્તાન સામે 2-1થી વિજયઃ મેચના પ્રથમ ક્વાર્ટરમાં પાકિસ્તાનના અહેમદ નદીમે 7મી મિનિટે ગોલ કર્યો હતો, તો એ પછી 13મી મિનિટે હરમનપ્રીતે પેનાલ્ટી કોર્નરને ગોલમાં કન્વર્ટ કર્યો હતો. તો બીજા ક્વાર્ટરમાં પણ હરમનપ્રીતે બીજો ગોલ કરી ભારતને લીડ અપાવી હતી. એકંદરે, ભારતનો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં પાકિસ્તાન સામે આ આઠમો વિજય છે. આ વર્ષની સ્પર્ધામાં પાકિસ્તાન ફક્ત બે મેચમાં વિજેતા રહી હતી. 13 વર્ષ પહેલા 2011માં આ સ્પર્ધાની શરૂઆત થઈ ત્યારથી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ચાર વખત અને પાકિસ્તાન ત્રણ વખત ચેમ્પિયન રહ્યા છે. 2021માં દક્ષિણ કોરીઆએ ખિતાબ જીત્યો હતો.