અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશો પર 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે ત્યારે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ભારત અમેરિકાની કૃષિ પેદાશો પર 100 ટકા ટેરિફ લાદે છે અને જેવા સાથે તેવાનો સમય આવી ગયો છે. બીજા દેશો દ્વારા વસૂલ કરવામાં આવતી ઊંચી ટેરિફને કારણે અમેરિકાની પ્રોડક્ટ્સની નિકાસ કરવાનું લગભગ અસંભવ બન્યું છે.
ટ્રમ્પે વારંવાર ભારત અને અન્ય દેશો દ્વારા અમેરિકન માલ પર લાદવામાં આવતી ઊંચી ટેરિફની ટીકા કરી છે. તેઓ 2 એપ્રિલના રોજ પારસ્પરિક ટેરિફ લાગુ કરવાની યોજના ધરાવે છે. ટ્રમ્પ 2 એપ્રિલને અમેરિકા માટે લિબરેશન ડે ગણાવી રહ્યાં છે.
સોમવારે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે જણાવ્યું હતું કે દુર્ભાગ્યવશ, આ દેશો ઘણા લાંબા સમયથી આપણા રાષ્ટ્રને છેતરતા રહ્યા છે, અને મને લાગે છે કે, તેઓએ અમેરિકન કામદારો પ્રત્યેનો તેમનો અણગમો સ્પષ્ટ કરી દીધો છે. જો તમે અન્યાયી વેપાર પ્રથાઓ પર નજર નાખો તો – અમેરિકન ડેરી પ્રોડક્ટ્સ પર યુરોપિયન યુનિયન 50% (ટેરિફ) અને જાપાન અમેરિકન ચોખા પર 700% ટેરિફ લાદે છે. અમેરિકન કૃષિ ઉત્પાદનો પર ભારત 100% અને અમેરિકન માખણ અને ચીઝ પર કેનેડા લગભગ 300% ટેરિફ વસૂલ કરે છે. આનાથી આ બજારોમાં યુએસ પ્રોડક્ટ્સની આયાત કરવાનું લગભગ અશક્ય બની જાય છે અને તેના કારણે છેલ્લા કેટલાક દાયકાઓમાં ઘણા અમેરિકનો બિઝનેસમાંથી બહાર થઈ ગયા છે.
લેવીટે એક ચાર્ટ દર્શાવ્યો હતો. તેમાં ભારત, જાપાન અને બીજા દેશો દ્વારા વસૂલ કરાતી ટેરિફની વિગતો હતી. તેમણે જણાવયું હતું કે જેવા સાથે તેવાનો સમય છે, અને પ્રેસિડન્ટ માટે ઐતિહાસિક પરિવર્તન લાવવાનો, અમેરિકન લોકો માટે જે યોગ્ય છે તે કરવાનો સમય છે અને તે બુધવારે થવાનું છે
