ભારત ​​​​​​​સરકારે અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુરોપિયન યુનિયનમાં મંજૂર કરાયેલી પાંચ કેટેગરીની દવાઓને દેશમાં ક્લિનિકલ ટ્રાયલ (પરીક્ષણ)ની જરૂરિયાતમાંથી મુક્તિ આપી છે. આવી દવાઓમાં જૂજ રોગો, જિનેટીક અને સેલ્યુલર થેરાપી પ્રોડક્ટ્સ, મહામારીમાં ઉપયોગી નવી દવાઓ, વિશેષ પ્રકારના રક્ષણમાં ઉપયોગી નવી દવાઓ અને નોંધપાત્ર રીસર્ચ સાથેની નવી દવાનો સમાવેશ થાય છે.

ટેસ્ટિંગમાંથી મુક્તિને પગલે કેન્સર, સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી જેવા જૂજ રોગો અને ભારતમાં જોવા મળતી ઓટોઇમ્યુન સમસ્યાની સારવાર માટે આધુનિક દવાઓ ઝડપથી ઉપલબ્ધ બનશે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીજીસીઆઇ)એ તાજેતરમાં જણાવ્યું હતું કે, “ન્યૂ ડ્રગ્સ એન્ડ ક્લિનિકલ ટ્રાયલ્સ રુલ્સ, ૨૦૧૯ મુજબ કેન્દ્રીય લાઇસન્સિંગ ઓથોરિટી કેન્દ્ર સરકારની મંજૂરી સાથે સમયાંતરે ચેપ્ટર એક્સ હેઠળ નવી દવાઓને સ્થાનિક ક્લિનિકલ ટ્રાયલમાંથી મુક્તિ આપવા માટે દેશના નામ જાહેર કરી શકે. નિયમ ૧૦૧ હેઠળ અપાયેલી સત્તાનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારની મંજૂરી સાથે અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુરોપિયન યુનિયનની કેટલીક કેટેગરીની નવી દવાઓને ક્લિનિકલ ટ્રાયલમાંથી મુક્તિ આપવામાં આવે છે.”

ઉલ્લેખનીય છે કે અમેરિકા, ઇંગ્લેન્ડ અને યુરોપિયન યુનિયનમાં અન્ય ઓથોરિટી દ્વારા મંજૂર કરાયેલી દવા ભારતીય દર્દીઓની તાત્કાલિક સારવાર માટે ઉપલબ્ધ બનતી નથી. તેનું કારણ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ અને તેના નિયમો હેઠળની કેટલીક નિયમન સંબંધી જરૂરિયાતો છે. જોકે, હવે ઘણી આધુનિક દવાઓ ભારતમાં મળી શકશે.

LEAVE A REPLY