વેસ્ટ ઇન્ડિઝના ગુયાનામાં ગુરુવાર, 27 જૂને રમાયેલી ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં 68 રને વિજય મેળવી ભારતે ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે ટાઇટલ માટે શનિવારે બાર્બાડોઝમાં ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે.
કેપ્ટન રોહિત શર્માના 39 બોલમાં આક્રમક 57 રન અને સુર્યકુમાર યાદવના 36 બોલમાં 47 રનની મદદથી ભારતે ઇંગ્લેન્ડને 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વરસાદના વિધ્ન સાથેની મેચમાં ભારત ટોચ હાર્યું હતું. આ ટાર્ગેટનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ 16.4 ઓવરમાં 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટી-20 ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારતની આ ત્રીજી એન્ટ્રી છે.હાર્દિક પંડ્યાએ 13 બોલમાં બે સિક્સર સાથે 23 રન બનાવ્યા હતા અને વિરાટ કોહલીએ નવ બોલમાં નવ રન બનાવ્યાં હતાં.
ધીમી, નીચા ઉછાળવાળી પીચ પર ડાબેરી અક્ષર પટેલ (3/23)એ તેની શાનદાર બોલિંગ વડે ભારતને મેચ પર પકડ મજબૂત કરવામાં મદદ કરી હતી, જ્યારે તેના બોલિંગ સાથીદાર કુલદીપ યાદવ (3/19)એ ઇંગ્લેન્ડનો મિડલ ઓર્ડરને ધ્વંસ કર્યો હતો.
રોહિત શર્મા 12 મહિનાના ગાળામાં ત્રણ ICC વૈશ્વિક ફાઇનલમાં દેશનું નેતૃત્વ કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો હતો. 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, 2023 ODI વર્લ્ડ કપ અને હવે T20 વર્લ્ડ કપમાં ભારત ફાઇનલમાં પ્રવેશ્યું છે.
ઇંગ્લેન્ડના બેટર્સમાંથી જોસ બટલર (15 બોલમાં 23), હેરી બ્રુક (19 બોલમાં 25) અને જોફ્રા આર્ચર (15 બોલમાં 21) ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. બટલર અને બ્રુક બંને અનુક્રમે અક્ષર અને કુલદીપ સામે રિવર્સ સ્વીપનો પ્રયાસ કરતી વખતે આઉટ થયા હતાં.
અગાઉ ત્રિનિદાદ ખાતે 27 જૂને રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનને નવ વિકેટે હરાવી સાઉથ આફ્રિકાએ પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ જીત સાથે સાઉથ આફ્રિકાએ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી ટીમ પરના ચોકર્સનું કલંક હટાવી દીધું હતું.