ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ બાંગ્લાદેશના વિદેશ સચિવ સાથેની બેઠકમાં સોમવારે બાંગ્લાદેશમાં લઘુમતીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી તથા બંને દેશો વચ્ચે સકારાત્મક, રચનાત્મક અને પરસ્પર ફાયદાકારક સંબંધની ભારતની ઇચ્છા વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટે શેખ હસીના સરકારના પતન પછી બંને દેશો વચ્ચેની આ પ્રથમ ઉચ્ચસ્તરીય બેઠક હતી.
મિસરીએ જણાવ્યું હતું કે તેમણે વિદેશ સચિવ મોહમ્મદ જશીમ ઉદ્દીન સાથે નિખાલસ અને રચનાત્મક વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.મેં લઘુમતીઓની સુરક્ષા અને કલ્યાણ સાથે સંબંધિત આપણી ચિંતાઓ જણાવી હતી. અમે સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજદ્વારી સંપત્તિઓ પર હુમલાની કેટલીક ખેદજનક ઘટનાઓની પણ ચર્ચાવિચારણા કરી હતી. મેં ભારપૂર્વક કહ્યું હતું કે ભારત બાંગ્લાદેશ સાથે સકારાત્મક, રચનાત્મક અને પરસ્પર લાભદાયી સંબંધો ઈચ્છે છે.
5 ઓગસ્ટે શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો અને લઘુમતીઓ પરના હુમલામાં વધારો થયો છે. તેનાથી બંને દેશોના સંબંધો ખરાબ થયા છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશમાં સત્તા પર આવ્યા પછી હિન્દુ પરના હુમલામાં વધારો થયો છે. હિંદુઓ પર હુમલા અને હિંદુ સાધુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડને કારણે તાજેતરના અઠવાડિયામાં સંબંધો વધુ બગડ્યા હતા.