ભારતે પોતાની આર્થિક સફરમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. એપ્રિલ 2000થી અત્યાર સુધીમાં ફોરેન ડાયરેક્ત ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)નો કુલ પ્રવાહ 1 ટ્રિલિયન ડોલરની સપાટીએ પહોંચ્યો છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છમાસિક ગાળા દરમિયાન એફડીઆઈમાં લગભગ 26 ટકાનો વધારો થઈને 42.1 બિલિયન ડોલર થયો છે. આ પ્રકારની વૃદ્ધિ એક વૈશ્વિક રોકાણના સ્થળ તરીકે ભારતની વધતી જતી શાખને પ્રતિબિંબિત કરે છે. સીધા વિદેશી રોકાણોએ નોંધપાત્ર બિન-ઋણ નાણાકીય સંસાધનો પ્રદાન કરીને, ટેકનોલોજી હસ્તાંતરણને પ્રોત્સાહન આપીને અને રોજગારીની તકો ઊભી કરીને ભારતનાં વિકાસમાં પરિવર્તનકારી ભૂમિકા ભજવી છે. છેલ્લા દાયકામાં (એપ્રિલ, 2014થી સપ્ટેમ્બર, 2024) દરમિયાન કુલ એફડીઆઇ પ્રવાહ 709.84 બિલિયન ડોલર રહ્યો છે, જે છેલ્લાં 24 વર્ષમાં એફડીઆઇના કુલ પ્રવાહમાં 68.69 ટકા હિસ્સો ધરાવે છે. રોકાણોનો આ મજબૂત પ્રવાહ વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યને આકાર આપવામાં ભારતની મુખ્ય ભૂમિકાને ઉજાગર કરે છે.
વર્લ્ડ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ ત્રણ સ્થાનની છલાંગ સાથે 40મો થયો છે, જે વર્ષ 2021માં 43મા ક્રમે હતો. આ ઉપરાંત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2023 માં 132 અર્થતંત્રોમાંથી 40મું સ્થાન પ્રાપ્ત કરીને ટોચના 50 દેશોમાં ભારતને 48માં ક્રમનો સૌથી નવીન દેશ જાહેર કરવામાં આવ્યો હતો, જે 2015માં તેના 81 માં સ્થાનની તુલનામાં નોંધપાત્ર સુધારો છે.

વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રીપોર્ટ 2023 મુજબ ભારત 1,008 ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સની જાહેરાત સાથે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ મેળવવામાં ત્રીજા ક્રમે હતું. ભારતમાં આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ ફાઇનાન્સ સોદાઓની સંખ્યામાં પણ 64 ટકાનો વધારો થયો છે, જે તેને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ ફાઇનાન્સ સોદાઓની બીજી સૌથી વધુ સંખ્યા ધરાવતો દેશ બનાવે છે. આ આંકડા વૈશ્વિક મૂડીરોકાણના મંચ પર ભારતની વધતી જતી વિશેષતા પર ભાર મૂકે છે.

LEAVE A REPLY