(PTI Photo)(PTI10_21_2024_000192B)

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક અંકુશ રેખા (LAC) પર પેટ્રોલિંગ અને સૈનિકોની પીછેહટ માટેના કરારને પગલે ભારત અને ચીને ડેમચોક અને ડેપસાંગના ઘર્ષણ પોઇન્ટ્સ પરથી એકબીજાના સૈનિકોને પરત બોલાવવાનું ચાલુ કર્યું છે. આ કવાયત 28-29 ઓક્ટોબર સુધી સંપૂર્ણપણે પૂરી થવાની ધારણા છે. જૂન 2020માં ગલવાન ખીણમાં ભીષણ અથડામણ પછી બંને પોઇન્ટ્સ પર બંને દેશોના સૈનિકો આમને-સામને હતાં. પરંતુ હવે ચાર વર્ષથી ચાલી આવતી લશ્કરી મડાગાંઠનો ઉકેલ આવવાની આશા જાગી છે. અગાઉ પાંચ પોઇન્ટ્સ પરથી સૈનિકોને પરત બોલાવાયા હતાં.

આર્મીના સૂત્રોએ જણાવ્યું હતું કે આ બે ઘર્ષણ પોઇન્ટ્સ પરથી બંને દેશોના સૈનિકો પીછેહટ કરે તે પછી તે વિસ્તારોમાં લશ્કરી પેટ્રોલિંગ શરૂ થશે અને બંને પક્ષો પોતપોતાના સૈનિકોને ખસેડશે અને તંબું જેવા અસ્થાયી માળખાને તોડી પાડશે.

આ અંગેના કરારના માળખા પર સૌપ્રથમ રાજદ્વારી સ્તરે સંમતિ આપવામાં આવી હતી અને પછી લશ્કરી સ્તરની વાટાઘાટો થઈ હતી. કોર્પ્સ કમાન્ડર-સ્તરની વાટાઘાટોમાં સમજૂતીના વિવિધ પાસાં અંગે વિચારણા કરાઈ હતી. બંને દેશો વચ્ચેના કરારોનું પાલન કરીને ભારતીય સૈનિકોએ આ વિસ્તારોમાં દૂરના સ્થળોએ ઇક્વિપમેન્ટ લઈ જવાનું ચાલુ કર્યું છે.

જૂન 2020માં ગલવાન ખીણમાં ભીષણ અથડામણને પગલે એશિયાના આ બે દિગ્ગજો વચ્ચેની તંગદિલી ઊભી થઈ હતી. આ પછી બંને દેશોએ સીમા પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યાં હતાં.

નોર્થન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિન્દ્ર કુમારે શુક્રવારે જણાવ્યું હતું કે સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટોને કારણે ભારત-ચીન સરહદી વિસ્તારોમાં વાસ્તવિક અંકુશ રેખા (LAC) પર પેટ્રોલિંગ પર સમજૂતી થઈ છે અને તેનાથી સૈનિક પરત બોલાવવાની તથા 2020 પછી ઊભા થયેલા મુદ્દાના નિરાકરણ માટેનો માર્ગ મોકળો થયો છે.

LEAVE A REPLY