રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ગુરુવારે મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે તેઓ યુક્રેન સંઘર્ષનો ઉકેલ લાવવા માટે ભારત, ચીન અને બ્રાઝિલના સંપર્કમાં છે. તેઓ આ સંઘર્ષના ઉકેલ માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરી રહ્યા છે. જો યુક્રેન વાટાઘાટો ચાલુ કરવા ઇચ્છતું હોય તો તેઓ તે માટે તૈયાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનની ઐતિહાસિક મુલાકાતના બે સપ્તાહ પછી પુતિને આ ટીપ્પણી કરી હતી. મોદીએ તાજેતરમાં પુતિન ઉપરાંત યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમિર ઝેલેન્સકી સાથે પણ વાતચીત કરી હતી.
રશિયન ન્યૂજ એજન્સીએ પુતિનને ટાંકીને જણાવ્યું હતું કે અમે અમારા મિત્રો અને ભાગીદારોનું સન્માન કરીએ છીએ, જેઓ હું માનું છું કે ખાસ કરીને ચીન, બ્રાઝિલ અને ભારત આ સંઘર્ષ સંબંધિત તમામ મુદ્દાઓનો નિષ્ઠાપૂર્વક ઉકેલ લાવવા માગે છે. હું આ મુદ્દા પર સતત અમારા સાથીદારો સાથે સંપર્કમાં રહું છું.
બીજી તરફ રશિયન પ્રેસિડન્ટના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ઇઝવેસ્ટિયા દૈનિકને કહ્યું હતું કે ભારત યુક્રેન સાથે વાતચીત સ્થાપિત કરવામાં મદદ કરી શકે છે. મોદી અને પુતિન વચ્ચેના હાલના ઘણા જ અત્યંત રચનાત્મક, મૈત્રીપૂર્ણ સંબંધો પર ભાર મૂકીને તેમણે જણાવ્યું હતું કે ભારતીય વડાપ્રધાન આ સંઘર્ષમાં સામેલ દેશો પ્રથમદર્શીય માહિતી મેળવવામાં મોખરે રહી શકે છે, કારણ કે પુતિન, ઝેલેન્સકી અને અમેરિકનો સાથે મુક્તપણે વાતચીત કરી શકે છે. આનાથી ભારત માટે વૈશ્વિક બાબતોમાં તેના પ્રભાવનો ઉપયોગ કરીને આદર્શ તક છે, જેથી અમેરિકા અને યુક્રેનના નેતાઓને વધુ રાજકીય ઇચ્છાશક્તિનો ઉપયોગ કરી શાંતિપૂર્ણ સમાધાનના માર્ગમાં પ્રવેશવા તરફ પ્રેરિત કરી શકાય.
જોકે તેમણે સ્પષ્ટ કરી હતી કે મોદી આ મુદ્દે મધ્યસ્થી કરે તે અંગે કોઈ ચોક્કસ યોજના નથી. હાલના તબક્કે આવી યોજના ભાગ્યે જ અસ્તિત્વમાં હોઈ શકે છે, કારણ કે અમે વાટાઘાટો માટે કોઈ પૂર્વશરતો માનવા તૈયાર નથી.