કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને સતત તેમના આઠમાં બજેટમાં આવક વેરામાં મોટી રાહત આપી મધ્યમ વર્ગ અને પગારદાર વર્ગને ખુશ કરી દીધી હતાં. વાર્ષિક રૂ.12 લાખ સુધીની આવક પર હવે કોઇ ટેક્સ ભરવો પડશે નહીં. ટેક્સ રીબેટની મર્યાદા રૂ.7 લાખથી વધારી સીધી રૂ.12 લાખ કરવાની મોટી જાહેરાત કરી હતી. આ ઉપરાંત પગારદાર વર્ગને રૂ.75,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો પણ લાભ થશે. નાણાપ્રધાને 2025-26 માટેના બજેટમાં નાણાકીય શિસ્ત અને આર્થિક વૃદ્ધિ વચ્ચે સંતુલન જાળવીને વિકસિત ભારત માટે નવી પેઢીના સુધારાની રૂપરેખા પણ રજૂ કરી હતી.
નવા ટેક્સ રેજીમ હેઠળ આવક વેરાની નવી દરખાસ્તો મુજબ હવે આશરે એક કરોડ લોકોને કોઇ ટેક્સ ભરવો પડશે નહીં. ટેક્સ સ્લેબમાં ફેરફારથી કુલ 6.3 કરોડ અથવા 80 ટકા કરદાતાને લાભ થશે.
લોકસભામાં બજેટ રજૂ કરતાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે નવા કર માળખાથી મધ્યમ વર્ગના હાથમાં વધુ નાણાં આવશે, જેનાથી વપરાશ, બચત અને રોકાણમાં વધારો થશે. બજેટમાં વીમા ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણની મર્યાદા હાલના 74 ટકાથી વધારીને 100 ટકા કરવાની દરખાસ્ત છે તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જંગી રોકાણની સાથે ગરીબ, ખેડૂતો, મહિલાઓ માટેના પગલાંની જાહેરાત કરી હતી.  રાહતોની જાહેરાતોની સાથે નાણાપ્રધાને નાણાકીય શિસ્તનો રોડમેપ જાળવી રાખ્યો છે.
સરકારની આવકમાં થનારૂ નુકસાન સરભર કરવા માટે મૂડીખર્ચમાં નજીવો વધારો કરાયો છે.  રૂ.11.21 લાખ કરોડના મૂડીખર્ચની દરખાસ્ત છે, જે ચાલુ વર્ષે 10.18 લાખ કરોડ છે.
નવો ઇન્કમટેક્સ એક્ટ
નાણાપ્રધાને આગામી સપ્તાહે નવું આવકવેરા બિલ રજૂ કરવાની મોટી જાહેરાત કરી હતી. નવા ઇનકમ ટેક્સ કોડમાં સરકાર ‘પહેલા કરદાતા પર વિશ્વાસ અને પછી આકારણી’નો કન્સેપ્ટ અપનાવશે. 100થી વધુ જોગવાઈ અપરાધમુક્ત કરવા જન વિશ્વાસ બિલ 2.0 રજૂ કરાશે. હાલનો આવકવેરા કાયદો સર્વગ્રાહી બનાવી તેના પેજની સંખ્યામાં ઓછામાં ઓછો 60 ટકા ઘટાડો કરવા માગે છે.

વ્યક્તિગત આવકવેરોઃ સ્ટાન્ડર્ડ ડીડક્શન પછી રૂ. 12.75 લાખ સુધીની આવક કરમુકત

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં નોકરીયાત વર્ગને મોટી રાહત આપી છે. બજેટમાં કરાયેલી જાહેરાત અનુસાર વાર્ષિક રૂ. 12 લાખ સુધીની આવક ધરાવતા પગારદાર લોકોએ હવે આવતા નાણાકીય વર્ષથી નવી કર વ્યવસ્થા હેઠળ એક પણ રૂપિયાનો આવકવેરો નહીં ચૂકવવો પડે. આ જાહેરાતથી નોકરિયાત લોકોને રૂ. 80,000નો ફાયદો થશે.
નાણાપ્રધાને 2025-26ના બજેટમાં નવા ટેક્સ સ્લેબ્સનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, તે સાથે પગારદાર વર્ગના લોકો માટે રૂ.75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન ગણતરીમાં લેતાં કુલ રૂ. 12.75 લાખ સુધીની આવક કરમુક્ત ગણાશે. તો રૂ. 24 લાખ કે તેથી વધુની વાર્ષિક આવક ધરાવતાં લોકોને આવકવેરામાં વર્ષે રૂ. 1.10 લાખની બચત થશે.
સરકારે રજૂ કરેલી ગણતરી અનુસાર, વાર્ષિક રૂ. 13 લાખની આવક રળતાં લોકોને કરમાં રૂ. 25,000ની બચત થશે. આ જ પ્રમાણે વાર્ષિક રૂ. 14 લાખની આવક ધરાવતા લોકોને રૂ. 30,000ની, રૂ. 15 લાખની આવકવાળાને રૂ. 35,000ની, રૂ. 16 લાખની આવકવાળાને રૂ. 50,000 તથા રૂ. 17 લાખની આવક ધરાવતા લોકોને રૂ. 60,000ની બચત થશે. જ્યારે વાર્ષિક રૂ. 18 લાખની આવક ધરાવતા લોકોને રૂ. 70,000ની રૂ. 19 લાખની આવકવાળાને રૂ. 80,000ની જ્યારે રૂ. 20 લાખની આવક ધરાવતા લોકોને રૂ. 90,000ની કર બચત થશે.રૂ. 21 લાખની આવક ધરાવતાં લોકોને રૂ. 95,000ની, રૂ. 22 લાખની આવકવાળાને રૂ. 1 લાખની જ્યારે રૂ. 23 લાખની વાર્ષિક આવકવાળાને કરમાં રૂ. 1.05 લાખની બચત થશે.
વાર્ષિક રૂ.12 લાખથી વધુ આવક ધરાવતાં અને નવી કર વ્યવસ્થા હેઠળ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓ માટે નાણાકીય વર્ષ 2025-26માં થયેલી આવક પર બજેટમાં કર જવાબદારીની ગણતરી માટેના ટેક્સ સ્લેબ્સમાં ફેરફાર કરાયો છે.
રૂ. 4 લાખ સુધીની આવક કરમુક્તિ રહેશે, રૂ. 4થી 8 લાખની આવક પર પાંચ ટકા, રૂ. 8-12 લાખની આવક પર 10 ટકા તથા રૂ. 12-16 લાખની આવક પર 15 ટકા આવકવેરો ચૂકવવાનો થશે.
રૂ.16થી 20 લાખની વાર્ષિક આવક ધરાવતા લોકોએ 20 ટકા, રૂ. 20-24 લાખની આવક ધરાવતાં લોકોએ 25 ટકા તથા વાર્ષિક રૂ. 24 લાખ કે તેથી વધુની આવક ધરાવતાં લોકોએ 30 ટકા આવકવેરો ચૂકવવો પડશે.

બજેટથી ગુજરાતના અનેક ઉદ્યોગોને લાભ

કેન્દ્રીય બજેટમાં કરાયેલી અનેક જાહેરાતો એવી છે જેના કારણે ગુજરાતને કેટલાક સેક્ટરમાં આગામી સમયમાં મોટો ફાયદો થશે. રાજ્યમાં શહેરી વિકાસ, સ્ટાર્ટ અપ, રમકડા ઉદ્યોગ, મેડિકલ બેઠકો, ટૂરિઝમ, જહાજ ઉદ્યોગ, એમએસએમઇ સેક્ટર વિગેરેને નોંધપાત્ર ફાયદો થશે. તે સાથે ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને કોટન પ્રોડક્ટિવિટી મિશન અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને પણ મોટો ટેકો મળી રહેશે.
કેન્દ્રીય બજેટમાં વર્ષ 2025-26 માટે 10 હજાર કરોડ રૂપિયાની ફાળવણી સાથે અર્બન ચેલેન્જ ફંડની જાહેરાત કરાઇ છે. જેમાંથી શહેરોના રચનાત્મક રિડેવલપમેન્ટ, વોટર સેનિટેશન અને ગ્રોથ હબ તરીકે વિકસી શકે તેવા શહેરોને મદદ કરાશે. ગુજરાતમાં અમદાવાદ જે હેરિટેજ સિટી સાથે મહાનગર છે તેને ક્રિએટિવ રિડેવલપમેન્ટ ઑફ સિટીઝનો લાભ મળતા અનેક સમસ્યાઓ ઉકેલી શકાશે. રાજ્યમાં તાજેતરમાં જ નવા મહાનગરો જાહેર કરાયા છે જેમાંથી કેટલાક ઉદ્યોગો સાથે સંકળાયેલા છે તેને સિટીઝ એઝ ગ્રોથ હબ તરીકને વધારાનું ફંડ મળી શકશે. દેશભરમાં ગુજરાતમાં સૌથી વધુ શહેરીકરણ થઇ રહ્યું છે તેને અર્બન ચેલેન્જ ફંડના કારણે અનેક પ્રોજેક્ટમાં મદદ મળી રહેશે.
દેશનાં ટોચનાં 50 પ્રવાસન સ્થળો રાજ્યો સાથે ભાગીદારીમાં ચૅલેન્જ મોડ દ્વારા વિકસાવવાની જાહેરાત કરાઇ છે. ગુજરાત સરકારે છેલ્લા કેટલાક સમયથી પ્રવાસન અને તીર્થ સ્થાનોને ડેવલપ કરવા આક્રમક નીતિ અપનાવી જંગી ખર્ચે અનેક પ્રોજેક્ટ શરૂ કર્યા છે. તેને કેન્દ્રની ભાગીદારીનો સપોર્ટ મળતા ફાયદો થશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ પણ ઘટશે. બૌદ્ધ સર્કિટને પણ ફાયદો થશે.
કેન્દ્રીય બજેટમાં UDAN યોજના હેઠળ આગામી 10 વર્ષોમાં 120 નવા એરપોર્ટ્સ બનાવવામાં આવશે. ગુજરાતે છેલ્લા 8 વર્ષમાં ઉડાન યોજના હેઠળ રાજ્યમાં 6 પ્રાદેશિક એરપોર્ટની કામગીરી સફળતાપૂર્વક શરૂ કરી  છે. રાજ્યમાં રિજિયોનલ કનેક્ટિવિટીનો વિકાસ વધુ ઝડપી કરવામાં મદદ મળશે.
આગામી વર્ષે મેડિકલ કૉલેજો અને હૉસ્પિટલોમાં 10,000 વધારાની બેઠકો ઉમેરવામાં આવશે. ગુજરાત સરકાર હજુ જે જિલ્લામાં મેડિકલ કોલેજ સ્થાપી શકી નથી તે સહિત ખાનગી મેડિકલ કોલેજની દરખાસ્તને પણ ઝડપી મંજૂરી મળતા રાજ્યના તબીબી શિક્ષણ મેળવવા માગતા વિદ્યાર્થીઓને ફાયદો થશે.
સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને ક્લીન ટેક મેન્યુફેક્ચરિંગમાં પણ ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન પણ ગુજરાત માટે લાભકારક સાબિત થશે. ક્લીન ટેક મેન્યુફેક્ચરિંગ એટલે કે સોલર પીવી, ઇવી બેટરી, વિન્ડ ટર્બાઇન, ઇલેક્ટ્રોલાઇઝર્સ, ગ્રીડ-સ્કેલ બેટરી વિગેરેનો સમાવેશ થાય છે. જેના ઉદ્યોગો રાજ્યમાં સ્થપાઇ રહ્યા છે તેને પણ ભવિષ્યમા લાભ મળશે.
ગુજરાતમાં 19 લાખથી વધુ સૂક્ષ્મ-લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો નોંધાયેલા છે. બજેટની જાહેરાતથી MSME અને સ્ટાર્ટઅપ્સ માટે ક્રેડિટ ગેરંટી કવરની રકમ પણ વધારાતા તેમને ધિરાણ મળવામાં ફાયદો થશે. કેન્દ્રીય બજેટમાં શિપ બિલ્ડીંગ તેમજ શિપ બ્રેકિંગને પ્રવૃત્તિઓને વેગ આપવાની જાહેરાત સાથે ₹25,000 કરોડના મેરીટાઇમ બોર્ડ ફંડની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના મેરિટાઇમ સેક્ટરને અને અલંગ શીપ બ્રેકિંગ યાર્ડને આવા ફંડિંગથી મોટું બળ મળશે.
રાજ્યમાં ઇડરમાં મોટાપાયે રમકડા ઉદ્યોગ વિકસી શકે છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર કહી ચૂક્યા છે. તે સાથે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક સ્થળે નાના પાયે રમકડા ઉદ્યોગ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 10 હજાર કરોડના નવા યોગદાન સાથેનું ભંડોળ અનન્ય, નવીન અને ટકાઉ રમકડા ક્ષેત્ર માટે જાહેર કરતા તેનો લાભ રાજ્યને મળશે.

LEAVE A REPLY