ANI Photo)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રુનેઇના સુલતાન હસનલ બોલ્કિયા સાથે દ્વિપક્ષીય બેઠક પછી બંને દેશોએ બુધવારે આંતરરાષ્ટ્રીય કાયદા સાથે સુસંગત નેવિગેશન અને ઓવરફ્લાઇટની સ્વતંત્રતાનો આદર કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મોદીએ ચીનનો ઉલ્લેખ કર્યા વગર જણાવ્યું હતું કે ભારત વિકાસની નીતિને સમર્થન આપે છે અને વિસ્તારવાદ નહીં. સાઉથ ચાઇના સમદ્રમાં ચીનની આક્રમકતાના સંદર્ભમાં મોદીના આ નિવેદનનું વિશેષ મહત્ત્વ છે. બ્રુનેઇ સાઉથ ચાઇના સમુદ્રના દક્ષિણમાં આવેલો એક નાનો દેશ છે.

સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે ભારત અને બ્રુનેઈ દ્વિપક્ષીય સંબંધોને “ઉન્નત ભાગીદારી”માં ફેરવવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદીએ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ ટેલિકોમન્ડ (TTC) સ્ટેશનની યજમાની ચાલુ રાખવા બદલ બ્રુનેઈની પ્રશંસા કરી હતી. આનાથી ભારતે સ્પેસ સેક્ટરમાં હાલના પ્રયાસોમાં મદદ મળી છે.

ભારત વિદેશ મંત્રાલય (MEA)એ કહ્યું કે આ મુલાકાત ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ને મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારતની આ પોલિસી હવે તેના 10મા વર્ષમાં છે.

બંને દેશોના સંયુક્ત નિવેદનમાં “નેવિગેશનની સ્વતંત્રતા”ઉલ્લેખ  દક્ષિણ ચાઇના સમુદ્રના દક્ષિણ કિનારે બ્રુનેઇના વ્યૂહાત્મક સ્થાનને ધ્યાનમાં રાખીને વિશેષ મહત્વ ધરાવે છે, જે દરિયાઇ  માર્ગે વૈશ્વિક સપ્લાય ચેઇન માટે એક મહત્વપૂર્ણ જોડાણ છે. અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન સાથે  ફિલિપાઇન્સ, જાપાન અને યુએસ વચ્ચે નિયમિત ઘર્ષણ જોવા મળ્યું છે.

વિદેશ મંત્રાલય (MEA)ના સચિવ (પૂર્વ) જયદીપ મઝુમદેરે જણાવ્યું હતું કે, નેતાઓએ સંરક્ષણ, વેપાર અને રોકાણ, ખાદ્ય સુરક્ષા, શિક્ષણ, ઉર્જા, અવકાશ તકનીક, આરોગ્ય, ક્ષમતા નિર્માણ, સહિત વિવિધ વિષયોને આવરી લેતા દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. તેઓ ICT, ફિનટેક, સાયબર સુરક્ષા, નવી અને ઉભરતી તકનીકો અને નવીનીકરણીય ઉર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગને આગળ ધપાવવા સંમત થયા હતાં. બંને નેતાઓ આસિયન ઇન્ડિયા ડાયલોગ રિલેશન્સ, ઇસ્ટ એશિય સમીટ, આશિયન રિજનલ ફોરમ જેવા વિવિધ પ્રાદેશિક અને બહુપક્ષીય મંચો પર સહકારને મજબૂત કરવા પણ સંમત થયા હતા.

બંને નેતાઓએ બંદર સેરી બેગવાન અને ચેન્નાઈ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ કનેક્ટિવિટીનું સ્વાગત કર્યું હતું, જે બંને દેશો વચ્ચે “મજબૂત લોકો-થી-લોકોના જોડાણો” તથા વેપાર અને પર્યટન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે.

અગાઉ, સિંગાપોર જતા પહેલા મોદીએ તેમની બ્રુનેઈ મુલાકાતને “ફળદ્રુપ” ગણાવી હતી અને કહ્યું હતું કે તે “ભારત-બ્રુનેઈના વધુ મજબૂત સંબંધોના નવા યુગની” શરૂઆત કરી રહ્યાં છે.

LEAVE A REPLY