પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સિડની સ્થિત લોવી ઇન્સ્ટિટ્યૂટના 2024 એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારતને એશિયામાં ત્રીજા સૌથી વધુ શક્તિશાળી રાષ્ટ્ર તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. એશિયા પાવર ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે અમેરિકા અને બીજા સ્થાને ચીન છે. ભારતે આ ઇન્ડેક્સમાં જાપાન અને રશિયાને પાછળ રાખી દીધું છે.

આ ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર 39.1 છે, જ્યારે જાપાન 38.9ના સ્કોર સાથે આ યાદીમાં ચોથા સ્થાને છે. લોવી રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે એશિયામાં શક્તિ સંતુલન હજુ પણ અમેરિકા અને ચીનના હાથમાં છે, પરંતુ ભવિષ્યમાં ભારત આ સ્થિતિ બદલી શકે છે. બીજી તરફ, ચીનની આર્થિક અને સૈન્ય વૃદ્ધિ સતત ચાલુ છે, પરંતુ તેની શક્તિ સ્થિર થઈ ગઈ છે. જ્યારે અમેરિકા તાકાત હજુ પણ આઠમાંથી છ ક્ષેત્રોમાં આગળ છે. ઉપરાંત ભારતની સ્થિતિમાં પણ મોટો સુધારો થયો છે.

આ રિપોર્ટમાં 81.7ના સ્કોર સાથે અમેરિકા પહેલા ક્રમે છે. જે પછી 72.7 સ્કોર સાથે ચીન બીજા ક્રમે છે. આ યાદીમાં રશિયા 31.1 સ્કોર સાથે એક સ્થાન નીચે ગગડી છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. જ્યારે 14.6 સ્કોર સાથે પાકિસ્તાન આ યાદીમાં 16મા સ્થાને છે.

રીપોર્ટ મુજબ ભારતની વધતી તાકાતનો મુખ્ય આધાર તેની વિશાળ જનસંખ્યા અને ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા છે. રિપોર્ટમાં ભારતની આર્થિક ક્ષમતામાં 4.2 પોઇન્ટનો વધારો થયો છે. આ સાથે ભવિષ્યના સંસાધનોના સંદર્ભમાં ભારતના સ્કોરમાં 8.2 પોઇન્ટનો વધારો થયો છે.
એશિયા પાવર ઇન્ડેક્સમાં સંસાધનો અને પ્રભાવ આમ કુલ બે કેટેગરીમાં આઠ મુદ્દાઓનો સમાવેશ કરાયો હતો અને રેન્કિંગ કરાયું હતું. આર્થિક ક્ષમતા, સૈન્ય ક્ષમતા, રાજકીય સ્થિરતા, ભવિષ્યના સંસાધનો, આર્થિક સંબંધો, ડિફેન્સ નેટવર્ક, રાજદ્વારી પ્રભાવ, કેન્દ્રીય પ્રભાવનો સમાવેશ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY