નાગપુરમાં શનિવાર, 12 ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક વિજયાદશમી રેલીને સંબોધતા તેના વડા મોહન ભાગવતે કે છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારત વિશ્વમાં વધુ મજબૂત અને સન્માનિત બન્યું છે અને તેની વિશ્વસનીયતા વધી છે, પરંતુ ભયાનક ષડયંત્રો દેશના સંકલ્પની કસોટી કરી રહ્યા છે. દેશને અશાંત અને અસ્થિર કરવાના પ્રયાસો ચારેય દિશામાંથી વેગ પકડી રહ્યા છે. અહી ઉલ્લેખનીય છે કે આરએસએસે તેના 100 વર્ષમાં પ્રવેશ કર્યો છે.
દેશના તમામ હિન્દુઓને એકજૂથ થવાનો સંદેશ આપતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અસંગઠિત અને નબળા બનવું એ દુષ્ટોને અત્યાચાર માટે આમંત્રણ આપવા જેવું છે. હિન્દુઓએ એક થવાની જરૂર છે. જાતિ, ભાષા અને પ્રાંતના આધારે વિભાજન કરવાના પ્રયાસો રાષ્ટ્રીય હિત કરતાં મોટા થઈ ગયા છે. તેમની મોડસ ઓપરેન્ડી એક પક્ષના સમર્થનમાં ઊભા રહેવાની અને વૈકલ્પિક રાજનીતિના નામે તેમના વિનાશક એજન્ડાને આગળ વધારવાની છે.
સંઘ પ્રમુખ ભાગવતે જણાવ્યું હતું કે દરેકને લાગે છે કે છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારત વિશ્વમાં વધુ મજબૂત અને વધુ સન્માનિત બન્યું છે. દેશ તેના લોકોના રાષ્ટ્રીય ચારિત્ર્યને કારણે મહાન બને છે. આ વર્ષ મહત્વપૂર્ણ છે, કારણ કે આરએસએસ તેના શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ભારતમાં આશાઓ અને આકાંક્ષાઓ ઉપરાંત પડકારો અને સમસ્યાઓ પણ છે. લોકો, સરકાર અને વહીવટીતંત્રને કારણે વિશ્વ મંચ પર દેશની છબી, શક્તિ, ખ્યાતિ અને દરજ્જો વધી રહ્યો છે, પરંતુ દેશને અસ્થિર અને અશાંત કરવાના ભયંકર ષડયંત્ર દેખાય છે. વિશ્વમાં ભારતના ઉદયથી કેટલાંક દેશોના સ્થાપિત હિતોને અસર થાય છે અને તેઓ અમુક મર્યાદામાં જ તેને વધવા દેશે. લોકતાંત્રિક હોવાના અને વિશ્વ શાંતિ માટે પ્રતિબદ્ધ હોવાના તેમના દાવા છતાં તેઓ ગેરકાયદેસર અને અથવા હિંસક માધ્યમો દ્વારા અન્ય લોકો પર હુમલો કરવામાં અથવા તેમની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને ઉથલાવવામાં અચકાતા નથી. ભારતની આસપાસ અને ખાસ કરીને સરહદી અને આદિવાસી વિસ્તારોમાં આવા જ દુષ્ટ પ્રયાસો જોવા મળે છે.
પડોશી દેશ બાંગ્લાદેશ હિન્દુઓની સ્થિતિ અંગે તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં અત્યાચારી કટ્ટરવાદીઓ છે. હિંદુઓ સહિત લઘુમતીઓના માથા પર ખતરાની તલવાર લટકી રહી છે. હિંદુઓ હવે પોતાનો બચાવ કરવા આગળ આવ્યા છે, પરંતુ તેમને ભારત સરકાર અને વિશ્વભરના હિન્દુઓની મદદ જરૂરી છે. બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસણખોરી અને તેના કારણે વસ્તીનું અસંતુલન સામાન્ય લોકોમાં પણ ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. ‘સાંસ્કૃતિક માર્ક્સવાદીઓ અને કથિત જાગૃત’ લોકોની પણ ટીકા કરી હતી અને તેમના પર શિક્ષણ અને સંસ્કૃતિને નબળી પાડવાનો, સંઘર્ષને પ્રોત્સાહન આપવાનો અને સામાજિક એકતામાં ખલેલ પહોંચાડવાનો આક્ષેપ કર્યો હતો.