ચેમ્પિયન્સ ટ્રોફીની દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવાર, 2 માર્ચે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડના 44 રનથી હરાવીને ભારતે આ ટુર્નામેન્ટમાં વિજયી અભિયાન ચાલુ રાખ્યું હતું. આ જીત સાથે ભારત ગ્રૂપ-Aમાં ટોચના સ્થાને પહોંચી ગયું હતું. ભારતનો સેમિફાઈનલ મુકાબલો 4 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે આ જ મેદાન પર થશે. જ્યારે, સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની ટીમ બીજા સેમિફાઈનલમાં ટકરાશે
મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 250 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે સ્પિનર વરુણ ચક્રવર્તીની કાતિલ બોલિંગ વચ્ચે ન્યૂઝીલેન્ડની ટીમ 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ ઝડપીને ભારતના વિજયમાં મોટી ભૂમિકા ભજવી હતી, જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડ તરફથી કેન વિલિયમ્સને સૌથી વધુ 81 રન બનાવ્યા હતાં.
ભારતીય ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 249 રન જ બનાવી શકી હતી. શ્રેયસ અય્યરે 79 રન બનાવ્યાં હતાં. 30 રનના સ્કોર સુધીમાં રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી પેવેલિયન પરત ફર્યા હતા. વિરાટના વનડે કરિયરનો આ 300મી મેચ હતો જેમાં તે માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ શ્રેયસ ઐયર અને અક્ષર પટેલ બેટિંગ કરવા આવ્યા અને ઇનિંગની કમાન સંભાળી હતી. બંને વચ્ચે 98 રનની ભાગીદારી થઈ હતી. ઐયર 98 બોલમાં 79 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે અક્ષરે 61 બોલમાં 42 રન બનાવ્યા હતા. છઠ્ઠા નંબરે બેટિંગ કરવા આવેલા કેએલ રાહુલ કંઈ ખાસ કરી શક્યા નહીં અને 29 બોલમાં 23 રન બનાવીને આઉટ થયા. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં ઝડપથી રન બનાવ્યા હતા. હાર્દિક 45 રન બનાવીને આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ 5 વિકેટ લીધી હતી.
