(ANI Photo)

તિલક વર્માની તોફાની સદીને પગલે ભારતે દક્ષિણ આફ્રિકાના સેન્ચુરિયનમાં રમાયેલી ત્રીજી ટી20 ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 11 રને વિજય મેળવીને ચાર મેચની સીરીઝમાં 2-1ની સરસાઈ હાંસલ કરી હતી.ચોથી ટી20 15મી નવેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે.

ભારતીય ટીમે 20 ઓવરમાં છ વિકેટે 219 રન બનાવ્યાં હતાં. આ ટાર્ગેટનો પીછો કરતાં આફ્રિકા નિર્ધારિત ઓવરમાં સાત વિકેટે 208 રન કરી શક્યું હતું. તિલક વર્માએ 56 બોલમાં આઠ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 107 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી અને તે તેની ટી-20 મેચની પ્રથમ સદી હતી.

ઓપનર અભિષેક શર્માએ પણ આક્રમક અડધી સદી નોંધાવી હતી. દક્ષિણ આફ્રિકાનો બેટિંગમાં ફિયાસ્કો થયા બાદ પૂંછડિયા બેટ્સમેન યેન્સેન 17 બોલમાં આક્રમક 50 રન ફટકારતા મેચ રોમાંચક બની હતી. અંતિમ આવરમાં આફ્રિકાને જીત માટે 25 રનની જરૂર હતી જેની સામે અર્શદીપે માત્ર 13 રન આપવા સાથે એક વિકેટ ખેરવીને બાજી પલટી નાંખી હતી.

દક્ષિણ આફ્રિકાની ઈનિંગ્સમાં સ્કોર એક ઓવરમાં વિના વિકેટે સાત રન હતો ત્યારે મેદાનમાં જીવાત ત્રાટકતા થોડા સમય માટે મેચ બંધ કરાઈ હતી. જોકે ઓવરમાં ઘટાડો કર્યા વગર મેચ પુનઃ શરૂ થઈ હતી અને દક્ષિણ આફ્રિકાના ટોચના ક્રમના બેટ્સમેનો ભારતના વિશાળ લક્ષ્યાંક સામે લડત આપવામાં નિષ્ફળ ગયા હતા. ઓપનર રિયાન રિકલટન (20) અને રીઝા હેન્ડ્રિક્સ (21) પાવરપ્લે દરમિયાન જ પેવેલિયન પરત ફર્યા હતા. હેનરિચ ક્લાસેન (41) અને યેન્સેન (54)ને બાદ કરતા અન્ય બેટ્સમેન પ્રભાવી રમત દર્શાવી શક્યા નહતા.

 

LEAVE A REPLY