સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે ચાર ટી-20 મેચની સીરીઝમાં જોહાનિસબર્ગમાં ગયા સપ્તાહે શુક્રવારે (15 નવેમ્બર) રમાયેલી ચોથી અને છેલ્લી ટી-20 મેચમાં યજમાન સાઉથ આફ્રિકાને 135 રને હરાવી સીરીઝ 3-1થી જીતી લીધી હતી. સૂર્યકુમાર યાદવે પહેલીવાર ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો અને ટીમે 20 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવી 283 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. તેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 18.2 ઓવરમાં માત્ર 148 રનમાં ઓલાઉટ થઈ ગઈ હતી.
ભારતે ઈનિંગની શરૂઆત જ ધમાકેદાર કરી હતી અને ફક્ત 4.1 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 50 રન કર્યા હતા. ભારતે ઓપનર અભિષેક શર્માની એકમાત્ર વિકેટ 73 રનના સ્કોરે ગુમાવી હતી, અભિષેક 18 બોલમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગા સાથે 36 રન કરી વિદાય થયો હતો. એ પછી સંજુ સેમસન અને તિલક વર્માએ બીજી વિકેટની અણનમ ભાગીદારીમાં 210 રન કર્યા હતા. આ બીજી વિકેટનો ભારતનો રેકોર્ડ છે. બન્નેએ સદી કરી હતી અને ટી-20 ઈન્ટરનેશનલમાં એક જ ટીમના બે બેટર્સે સદી કર્યાની આ મુખ્ય ટેસ્ટ દરજ્જાની ટીમ્સની ફક્ત ત્રીજી ઘટના છે. સંજુ સેમસને 56 બોલમાં 9 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે અણનમ 109 તો તિલક વર્માએ 47 બોલમાં 10 છગ્ગા અને 9 ચોગ્ગા સાથે અણનમ 120 કર્યા હતા. સંજુ સેમસનની એક જ સીરીઝમાં આ બીજી સદી હતી, તો તિલક વર્માની તો સતત બીજી મેચમાં આ બીજી સદી હતી.
બાંગ્લાદેશ સામે 297/6 પછી આ ભારતનો બીજો સૌથી વધુ ટી-20 સ્કોર છે.
એ પછી, સાઉથ આફ્રિકાની શરૂઆત નબળી રહી હતી અને તેણે પહેલી બે ઓવરમાં બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી હતી. એ પછી ટીમ ખરેખર સ્પર્ધામાં પાછી ફરી શકી નહોતી, ફક્ત પાંચમી વિકેટની ભાગીદારીમાં ડેવિડ મિલર અને ટ્રિસ્ટન સ્ટબ્સે થોડો પ્રતિકાર કરી આશાઓ જગાવી હતી, પણ તેનો ટાર્ગેટ દરેક બોલે વધુ દૂર જતો હતો. મિલર-સ્ટબ્સે 9 ઓવરમાં 86 રન ઉમેર્યા હતા. એ બન્ને જોડાયા તે પહેલા યજમાન ટીમે ત્રીજી ઓવરમાં જ વધુ બે વિકેટ ગુમાવતા તેનો સ્કોર ત્રણ ઓવરના અંતે 10 રનમાં ચાર વિકેટનો થયો હતો.
ભારત તરફથી અર્શદીપ સિંઘે ત્રણ ઓવરમાં 20 રન આપી ત્રણ, અક્ષર પટેલે બે ઓવરમાં ફક્ત છ રન આપી બે, વરૂણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 42 રન આપી તથા હાર્દિક પંડ્યા, રમણદીપ સિંઘ અને રવિ બિશ્વનોઈએ 1-1 વિકેટ લીધી હતી.
તિલક વર્માને તેની સતત બે મેચમાં બે સદી બદલ પ્લેયર ઓફ ધી મેચ અને સીરીઝ જાહેર કરાયો હતો.
ત્રીજી ટી-20માં ભારતનો 11 રને વિજયઃ એ પહેલા બુધવારે (13 નવેમ્બર) સેન્ચુરીઅન ખાતે રમાયેલી ત્રીજી ટી-20માં ભારતે સાઉથ આફ્રિકાને 11 રન હરાવી દિલધડક વિજય હાંસલ કર્યો હતો. એ મેચમાં પણ ભારતે પહેલા બેટિંગ કરતાં છ વિકેટે 219 રન કર્યા હતા. તિલક વર્માએ તેની કારકિર્દીની પહેલી ટી-20 સદી – અણનમ 107 રન કરી ટીમના સ્કોરમાં મુખ્ય ફાળો આપ્યો હતો. તેના સિવાય અભિષેક શર્માના 50 રન તથા હાર્દિક પંડ્યાના 18 રન મુખ્ય હતા. તિલકે 56 બોલમાં સાત છગ્ગા અને 8 ચોગ્ગા સાથે આ સ્કોર કર્યો હતો.
જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમનો શરૂઆતમાં જ ધબડકો થયો હતો અને માર્કો યાન્સેનની અડધી સદી (17 બોલમાં 54) તથા ક્લાસેનના 22 બોલમાં 41 રન સિવાય બાકીના બેટર્સ 30 સુધી પહોંચી શક્યા નહોતા. ભારત તરફથી અર્શદીપે 3, વરૂણ ચક્રવર્તીએ 2 તથા હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી.