ભારત અને ચીનના પ્રતિનિધિઓએ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર વર્તમાન પરિસ્થિતિ, માનસરોવર યાત્રા શરૂ કરવા સહિતના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવા તાજેતરમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં શક્ય તેટલી ઝડપથી કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગે ચર્ચા થઈ હતી. સરહદ પર વધતા તણાવને કારણે વર્ષ 2020માં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ બેઠકનો મુખ્ય મુદ્દો માનસરોવર યાત્રા હતો. તાજેતરમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા પર બંને દેશ દ્વારા તૈયારી દર્શાવવામાં આવી હતી. ભારત-ચીન સરહદી બાબતો પર સલાહ અને સંકલન માટે WMCCની 33મી બેઠક દરમિયાન આ ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે WMCC બેઠક સકારાત્મક અને રચનાત્મક વાતાવરણમાં યોજાઈ હતી અને બંને પક્ષોએ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરની પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કરી હતી. ભારતીય પ્રતિનિધિમંડળના નેતાએ ચીનના સહાયક વિદેશ પ્રધાન હોંગ લીની પણ સૌજન્ય મુલાકાત લીધી હતી.
