કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવાર, 23 જાન્યુઆરીએ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ‘હિન્દુ અધ્યાત્મિક સેવા મેળો’નો શુભારંભ કરાવ્યો હતો. 26 જાન્યુઆરી સુધી ચાલનારા આ મેળામાં 11 કુંડી સમરસતા યજ્ઞશાળા, 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન, 15 થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળા દર્શન, ગંગા આરતી, આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ વગેરેનો સમાવેશ કરાયો છે.
આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે સેવા મેળામાં સમાજ સુધારા માટે કામ કરતી હિન્દુ સંસ્થાઓના લગભગ 200 સ્ટોલ છે. એક સ્ટોલ 18મી સદીના ઈન્દોર રાજ્યના શાસક મહારાણી અહલ્યાબાઈ હોલ્કરને સમર્પિત છે, જેમણે મુસ્લિમ આક્રમણકારો દ્વારા નાશ પામેલા સોમનાથ સહિત લગભગ 200 મંદિરોનો જીર્ણાદ્ધાર કરાવ્યો હતો.
આ મેળા દરમિયાન રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અર્ચન ત્રિવેદી (ફિલ્મ દિગ્દર્શક અને કલાકાર) અને સાથીદારો, સાંઈરામ દવે અને સાથીદારો, બંકિમ પાઠક, અસિત વોરા અને કલાકારો વિવિધ કાર્યક્રમો રજૂ કરશે.
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની દિવ્યતા અને ભવ્યતા ઉજાગર કરતો મહાકુંભનો મેળો પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે. તેમજ, શ્રી રામમંદિરના નિર્માણનું પણ એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે આજે અમદાવાદમાં હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળાનો શુભારંભ એક અનોખો ત્રિવેણી સંગમ છે.
આ સેવા મેળા થકી વન અને વન્યજીવોનું સંરક્ષણ, જીવસૃષ્ટિનું સંતુલન, પર્યાવરણ જાળવણી,પારિવારિક અને માનવીય મૂલ્યોનું જતન, નારી સન્માન અને રાષ્ટ્રભક્તિનું જાગરણ – આ છ બાબતો પર ભાર મૂકીને સમાજને તે દિશામાં પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.