ભારતના પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે ગયા સપ્તાહે બુધવારે (12 ફેબ્રુઆરી) ભારત સામેની ત્રીજી અને અંતિમ વન-ડેમાં પણ તદ્દન નબળા દેખાવ સાથે 142 રનના જંગી માર્જીનથી પરાજય વહોર્યો હતો. આ રીતે, ભારતે ત્રણ વન-ડેની સીરીઝમાં તો ક્લીન સ્વીપ કરી હતી. ભારતે પહેલા બેટિંગ કરતાં 356 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો અને પછી ઈંગ્લેન્ડને ફક્ત 34.2 ઓવરમાં 214 રનમાં ઓલાઉટ કરી દીધું હતું. ભારત તરફથી શાનદાર સદી કરનારા વાઈસ કેપ્ટન અને ઓપનર શુભમન ગિલને પ્લેયર ઓફ ધી મેચ અને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયો હતો.
અમદાવાદમાં રમાયેલી આ મેચમાં પણ ઈંગ્લેન્ડના સુકાનીએ ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું, પણ તેનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો નહોતો. ઓપનર સુકાની રોહિત શર્માની વિકેટ સસ્તામાં ખેરવ્યા પછી ઈંગ્લેન્ડને ખાસ સફળતા મળી નહોતી.
શુભમન ગિલે એક છેડો ધીરજપૂર્વક બેટિંગ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. વિરાટ કોહલી 55 બોલમાં 52 રન કરી આઉટ થયો હતો, તો પછી ગિલ 35મી ઓવરમાં આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 3 વિકેટે 226 રનનો થયો હતો. ગિલે 102 બોલમાં 3 છગ્ગા અને 14 ચોગ્ગા સાથે 112 રન કર્યા હતા. શ્રેયસ ઐયરે 64 બોલમાં બે છગ્ગા અને 8 ચોગ્ગા સાથે 78 તથા કે. એલ. રાહુલે 29 બોલમાં 40 કર્યા હતા. એકંદરે જો કે, ભારતીય ટીમ છેલ્લી ઓવરમાં છેલ્લા બોલે ઓલાઉટ થઈ ગઈ હતી.
જવાબમાં ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટ અને ફિલ સોલ્ટે ધમાકેદાર શરૂઆત કરી 5.2 ઓવર્સમાં જ 50 રન તો કરી નાખ્યા હતા, પણ 60 રને પહેલી વિકેટ ગુમાવ્યા પછી 80 રને બીજી અને 126 રને ત્રીજી વિકેટ ગુમાવી ત્યાં સુધી ટીમ લડતની સ્થિતિમાં હતી પણ એ પછી નિયમિત અંતરે વિકેટો ગુમાવતી રહી હતી અને એકંદરે ફક્ત 34.2 ઓવરમાં 214 રનમાં ઓલાઉટ થઈ ગઈ હતી. એકપણ ઈગ્લિશ બેટર 40 રન સુધી પણ પહોંચી શક્યો નહોતો. ટોમ બેન્ટન અને ગસ એટકિન્સને 38-38 અને બેન ડકેટે 34 રન કર્યા હતા. ભારત તરફથી અર્શદીપ, હર્ષિત રાણા, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે 2-2 વિકેટ તથા વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી.
