ફાઇલ ફોટો (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને ચૂંટણીમાં વિજયની માટે અભિનંદન આપ્યા હતાં. બંને નેતાઓ વચ્ચેના ફોનકોલ પછી ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા સાથે મળીને કામ કરવા માટે તેમની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી.

વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ચૂંટણીમાં યુએસ નેતાની અદભૂત અને શાનદાર જીત તેમના નેતૃત્વ અને વિઝનમાં અમેરિકન લોકોનો “ઊંડો વિશ્વાસ” દર્શાવે છે.મોદીએ તેમને અમેરિકાના પ્રમુખ તરીકે ફરી ચૂંટાઈ આવવા બદલ તેમજ કૉંગ્રેસની ચૂંટણીઓમાં રિપબ્લિકન પાર્ટીની સફળતા માટે હાર્દિક અભિનંદન આપ્યાં હતાં.

તેઓએ ટેક્નોલોજી, સંરક્ષણ, ઉર્જા, અવકાશ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી. બંને નેતાઓએ “બંને દેશોના લોકોના લાભ તેમજ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે” ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રેસિડન્ટ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન ભારત-યુએસ ભાગીદારીની સકારાત્મક ગતિને પ્રતિબિંબિત કરતા PMએ તેમની યાદગાર ક્રિયાપ્રતિક્રિયાઓને યાદ કરી હતી, જેમાં સપ્ટેમ્બર 2019માં હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ અને ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન અમદાવાદમાં ફેબ્રુઆરી 2020માં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન મોદીએ બુધવારે રાત્રે X પર પોસ્ટ કર્યું હતું કે તેમણે તેમના “મિત્ર” ટ્રમ્પ સાથે “શાનદાર વાતચીત” કરી હતી.

 

LEAVE A REPLY