લંડનમાં તાજેતરમાં એક મોટી ઘરફોડ ચોરીની ઘટના બની હતી. આ ઘટનામાં અંદાજે 10.4 મિલિયન પાઉન્ડની કિંમતના દાગીના, 150,000 પાઉન્ડની ડિઝાઈનર હેન્ડબેગ્ઝ અને 15,000 પાઉન્ડની રોકડની ચોરી થઇ હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાનો ઘરમાંથી ચોરીની અત્યાર સુધીની સૌથી મોટી લૂટમાં સમાવેશ થાય છે.
મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યા મુજબ, ચોરની ઉંમર 20થી 30 વર્ષની હોવાનું માનવામાં આવે છે. બીબીસીના રીપોર્ટ મુજબ, આ ચોર 7 ડિસેમ્બરના રોજ લંડનમાં સેન્ટ જોન્સ વૂડમાં એવન્યુ રોડ પર આવેલા ઘરમાં બીજા માળની બારીમાંથી ચઢીને અંદર ઘૂસ્યો હતો.
ઘરના માલિકોએ આ કેસમાં ચોરની વિગત આપનાર માટે પાંચ લાખ પાઉન્ડના ઈનામની જાહેરાત કરી હતી. આ ઉપરાંત અન્ય ઇનામરૂપે જો ગુમ થયેલી કોઈપણ વસ્તુ પરત મળે તો તેની કિંમતના 10 ટકા રકમ આપવાની પણ ઓફર કરી હતી.
ડિટેક્ટિવ્ઝ ઘરફોડ ચોરી કરનારને શોધી રહ્યાં છે, જે 7 ડિસેમ્બરે સાંજે સ્થાનિક સમય મુજબ 5.11 કલાકના અરસામાં 13 બેડરૂમના ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે સીડીથી પ્રથમ માળે નીચે જતા પહેલા બીજા માળે પાંચ મિનિટ સુધી રૂમની શોધખોળ કરી હતી. તેને પ્રથમ માળે ખૂબ જ કિંમતી વસ્તુઓ મળી હતી. ધ ગાર્ડિયનના રીપોર્ટ મુજબ, તે લગભગ 5.30 કલાકે બીજા માળની એ જ બારીમાંથી ફરાર થઇ ગયો હતો. લંડનમાં 22,000 ચોરસ ફૂટના મોટા ઘરમાં 19-મિનિટની ચોરી દરમિયાન ચોર એક તિજોરીને તોડવામાં સફળ રહ્યો હતો, જેમાંથી તેને કિંમતી દાગીના મળ્યા હતા. પાંચ માળના મોટા ઘરના સિક્યુરિટી કેમેરામાં શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો, જેની પાસે હથિયાર હતું. વિડીયો ફૂટેજમાં તે રૂમની તપાસ કરતો હોય તેવું દેખાતું હતું. તેનો ચહેરો સંપૂર્ણ ઢાંકેલો હતો. આ ઘટના સમયે, ઘરમાં કર્મચારીઓ અને પરિવારના કેટલાક સભ્યો સહિત આઠ લોકો હાજર હતા.
પોલીસે જણાવ્યું હતું કે, આ ચોર 10.4 મિલિયન પાઉન્ડની કિંમતના દાગીના, 150,000 પાઉન્ડની કિંમતની હર્મેસ ક્રોકોડાઈલ કેલી હેન્ડબેગ્સ અને 15,000 પાઉન્ડની રોકડ લઈને ભાગવામાં સફળ થયો હતો.