ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો 19મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. 28મી માર્ચ સુધી ચાલનારા સત્રમાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ 20મી ફેબુઆરીએ 2025-26નું બજેટ રજૂ કરશે.
ગુજરાતમાં આગામી સમયગાળામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવતી હોવાથી સરકાર બજેટમાં કેટલાક પ્રજાલક્ષી નિર્ણયો લઇને લોકોને અનેક રાહતો આપે તેવી શક્યતા છે. નાણાપ્રધાન આગામી વર્ષ માટે સરકારની નાણાકીય યોજનાઓ અને વિકાસ પહેલની રૂપરેખા આપશે. સત્રની શરૂઆત રાજ્ય બજેટ રજૂ કરવા સાથે થશે, જેમાં માળખાગત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્યસંભાળ અને સામાજિક કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રો માટે મુખ્ય ફાળવણીઓ જાહેર થવાની અપેક્ષા છે.
બજેટ સત્રમાં વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બેરોજગારી અને ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ જેવા મુદ્દાઓ ઉઠાવે તેવી શક્યતા છે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થવાનું છે, જે ચાર એપ્રિલ સુધી ચાલશે. જ્યારે 1 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સિતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.