FILE IMAGE (PTI Photo)

રશિયાના કઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ વચ્ચેની બેઠક પછી શુક્રવાર, 25 ઓક્ટોબરે ભારત અને ચીને પૂર્વી લદ્દાખમાં ડેમચોક અને ડેપસાંગના બે ઘર્ષણ પોઇન્ટ્સ પરથી એકબીજાના સૈનિકો પાછા બોલાવવાનું ચાલુ કર્યું હતું. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ અને સૈનિકોને પરત બોલાવવા પર બંને દેશો વચ્ચે થયેલા કરાર પછી આ કવાયત ચાલુ થઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે ડેમચોક અને ડેપસાંગ મેદાનોમાં બે ઘર્ષણ પોઇન્ટ્સ પરથી સૈનિકોને પરત બોલાવવાની શરૂઆત થઈ છે. બંને દેશો વચ્ચેના કરારોનું પાલન કરીને ભારતીય સૈનિકોએ આ વિસ્તારોમાંથી મિલિટરી ઇક્વિપમેન્ટ હટાવવાનું ચાલુ કર્યું હતું. જૂન 2020માં ગલવાન ખીણમાં ભીષણ અથડામણને પગલે બે એશિયન દિગ્ગજો વચ્ચેના સંબંધોમાં કથળ્યાં હતા અને બંને દેશોએ સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા હતા.

બ્રિકસ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક અંકુશ રેખા (LAC) પર પેટ્રોલિંગ અને સૈનિકોને પરત બોલાવી લેવાના ભારત-ચીન વચ્ચેના કરારને બહાલી આપી હતી તથા બંને દેશો વચ્ચે વિવિધ સ્તરે દ્વિપક્ષીય સંવાદ ફરી ચાલુ કરવાનો આદેશ આપ્યો હતો. 2020માં ગલવાન વેલીમાં લશ્કરી દળોની હિંસક અથડામણ પછી બંને નેતાઓ વચ્ચે આશરે પાંચ વર્ષ પછી પ્રથમ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.

 

LEAVE A REPLY